લંડનઃ પ્રિન્સ ચાર્લ્સના પુત્ર અને ક્વીન એલિઝાબેથ દ્વિતીયના પૌત્ર પ્રિન્સ વિલિયમ્સની પત્ની ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલ્ટને પુત્રને જન્મ આપ્યો હતો જે બ્રિટિશ શાહી પરિવારનો પાંચમો સીધો વારસદાર છે. કેન્સિંગ્ટન પેલેસ દ્વારા નિવેદનમાં જણાવાયું હતું કે તેનો જન્મ સવારે ૧૧:૦૧ કલાકે થયો હતો. ૩૫ વર્ષના ડયુક ઓફ કેમ્બ્રિજ જન્મ સમયે નવજાતની સાથે હતા. માતા-પુત્રની તબીયત સારી છે.
ક્વીન, ડયુક ઓફ એડિનબરા, પ્રિન્સ ઓફ વેલ્સ, ડચેસ ઓફ કોર્નવોલ, પ્રિન્સ હેરી અને શાહી પરિવારના તમામ સભ્યોને પુત્રજન્મની જાણ કરાઇ હતી અને તેઓ આ સમમાચાર સાંભળીને ખૂશ થયા હતા. ડચેસ ઓફ કેમ્બ્રિજ અને ડયુક ઓફ કેમ્બ્રિજના ત્રીજા સંતાનની જાહેરાત કરતી નોટિસ બકિંગહામ પેલેસના મુખ્ય દ્વારે લગાવવામાં આવી હતી. નવજાત બાળક એના દાદા પ્રિન્સ ચાર્લ્સ, પિતા પ્રિન્સ વિલિયમ્સ, ભાઇ પ્રિન્સ જ્યોર્જ અને બહેન શાર્લોટ પછી બ્રિટિશ તાજનો સીધો પાંચમો વારસદાર છે. જો કે તેના નામની જાહેરાત કરવામાં આવી નથી. બુકીઓ માટે પ્રિય નામમાં આર્થર, આલ્બર્ટ, ફ્રેડરિક, જેમ્સ અને ફિલીપ્સ જેવા નામોનો સમાવેશ થતો હતો.
વડા પ્રધાન થેરેસા મેએ કહ્યું હતું ‘વિલિયમ અને કેથરિનને મારી શુભેચ્છા' તેમણે ટ્વિટ કરીને લખ્યું હતું ' હું તેમને ભવિષ્યની અનેક ખુશીઓ માટે અભિનંદન આપું છું' અગાઉ ૩૬ વર્ષની ડચેસ ઓફ કેમ્બ્રિજને લંડનની સેન્ટ મેરી હોસ્પિટલની લિન્ડો વિંગમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેમના બંને સંતાનો જન્મ્યા હતા. ૨૦૧૩માં જ્યોર્જ અને ૨૦૧૫માં શાર્લોટનો જન્મ થયો હતો.

