લંડનઃ ચોગમ શિખર બેઠકના એક સપ્તાહ અગાઉ ૧૩ એપ્રિલને શુક્રવારે ભારતીય અને જ્યૂઈશ યહૂદી સમુદાય માટે કોમનવેલ્થ બીગ લંચનું આયોજન કરાયું હતું. ઈન્ડિયન જ્યૂઈશ એસોસિએશન (IJA) અને કોમનવેલ્થ જ્યૂઈશ કાઉન્સિલ (CJC) ચેરિટીઓ દ્વારા સમાન મૂલ્યો અને આપણી ‘સમાન સંપત્તિ’ના પ્રચાર-પ્રસાર માટે તેનું આયોજન કરાયું હતું.
ભારતીય અને યહૂદી સમાજના બિઝનેસ, રાજકારણ, શિક્ષણ અને ચેરિટી ક્ષેત્ર સાથે સંકળાયેલા ૩૦ અગ્રણીઓએ તેમાં ભાગ લીધો હતો. તેમાં લોર્ડ જિતેશ ગઢિયા, ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક / તંત્રી સી બી પટેલ, વિનુ ભટ્ટેસા, લોર્ડ મેન્ડેલ્સન, લોર્ડ પોલાક અને લોઈડ ડોર્ફમેનનો સમાવેશ થતો હતો. મહેમાનોએ એકબીજાને મળીને સ્વાદિષ્ટ કોશર ઈન્ડિયન ફૂડનો આસ્વાદ માણ્યો હતો.
CJCના ચેરમેન લોર્ડ મેન્ડેલ્સને ટૂંકા પ્રવચનમાં બન્ને સમાજ વચ્ચેની સમાનતા અને IJA ના કો-ચેરમેન માઈક વ્હાઈને ચેરિટીના ઈતિહાસ વિશે તથા ભારતીયો અને યહૂદીઓ વચ્ચેના સંબંધ મજબૂત બનાવવામાં ચેરિટીની મહત્ત્વની ભૂમિકા વિશે વિગતો આપી હતી.
આયોજક અને IJAના ટ્રસ્ટી ઝાકી કૂપરે જણાવ્યું હતું, ‘ક્વીન યુકેમાં કોમનવેલ્થ સમિટની યજમાની કરવાના છે તેના થોડા દિવસ અગાઉ કોમનવેલ્થ બીગ લંચનું આયોજન ખૂબ પ્રશંસનીય રહ્યું છે. આપણા બે સમાજ વચ્ચે ભોજનની સાથે વાતચીતનો આનંદ માણવા ઉપરાંત પણ ઘણી બાબતો સમાન છે. આપણે જાણીએ છીએ કે આપણા મૂલ્યો અને આપણા વારસા વિશેનું ગૌરવ તેમજ બ્રિટન પ્રત્યેની પ્રતિબદ્ધતામાં આપણી સમાન સંપત્તિ રહેલી છે. જૂના મિત્રો ફરી મળ્યા અને નવી મિત્રતા બંધાઈ છે.’

