લંડનઃ યુકેના લગભગ ૭૫ ટકા એશિયનો એ બાબતથી અજાણ છે કે તેઓની વંશીય પશ્ચાદભૂ તેમના માટે વંશીયતા સ્ટ્રોકનું જોખમ વધારે છે. સ્ટ્રોક એસોસિયેશન દ્વારા નવા સર્વે અનુસાર લગભગ ૩૩ ટકા એશિયનો સ્ટ્રોક્સ અટકાવી શકાય તે વિશે પણ જાણતા નથી. યુકેમાં સૌથી વધુ મૃત્યુના કારણમાં સ્ટ્રોક ચોથા ક્રમે આવે છે અને ડિસેબિલિટી માટે મુખ્ય કારણરુપ છે. અભ્યાસ કહે છે કે સાઉથ એશિયન લોકોને સ્ટ્રોક ૧૦ વર્ષ વહેલો આવે છે અને સ્ટ્રોકના ચાવીરુપ જોખમી પરિબળ ડાયાબિટીસ થવાનું તેમનું જોખમ બમણું રહે છે.
પોતાના ‘Know Your Blood Pressure’ અભિયાનના સમર્થનમાં ધ સ્ટ્રોક એસોસિયેશન આ તારણો થકી સાઉથ એશિયન મૂળનાં લોકોને તેમના બ્લડ પ્રેશરની ચકાસણી કરાવવા અનુરોધ કરી રહ્યું છે, જેથી તેઓ સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે. હાઈ બ્લડ પ્રેશરના લીધે સ્ટ્રોકનું જોખમ ત્રણ ગણું વધી શકે છે. ઈંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયરલેન્ડમાં કુલ સ્ટ્રોક્સના કારણમાં હાઈ બ્લડ પ્રેશર અડધોઅડધ હિસ્સો ધરાવે છે. આમ છતાં, એક અંદાજ મુજબ ઈંગ્લેન્ડમાં જ ૫.૫ મિલિયનથી વધુ લોકોને હાઈ બ્લડ પ્રેશરનું નિદાન થતું નથી.
‘કોરોનેશન સ્ટ્રીટ’ની અભિનેત્રી શોબના ગુલાટીના પરિવારને સ્ટ્રોકની અસર થયા પછી તે આ અભિયાનને સમર્થન કરી રહી છે. શોબના કહે છે કે, ‘સ્ટ્રોકની ભયાનક અસરની મને જાણ છે. મે મારાં મિત્રો અને પરિવારજનને ગુમાવ્યાં છે. હું દરેકને તેમનું બ્લડ પ્રેશર નિયમિત ચેક કરાવવા અનુરોધ કરું છું. તમારા અને તમારા પરિવારને ખાતર પણ આ કરજો. ઘણાં સ્ટ્રોક્સ અટકાવી શકાય છે, તપાસ ઝડપી, સરળ અને પીડારહિત હોય છે અને જીવન અને મરણ વચ્ચે તફાવત લાવી શકે છે.’
સ્ટ્રોક એસોસિયેશનના પબ્લિક રીલેશન્સ અને કોમ્યુનિકેશનના ડેપ્યુટી ડિરેક્ટર અનિલ રણછોડે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘સ્ટ્રોક એક એવી સ્થિતિ છે તેના વિશે આપણે વધુ વિચારતા નથી પરંતુ, એશિયન હોવાથી આપણે યુવાન વયે જ સ્ટ્રોક આવવાનું ગંભીર જોખમ ધરાવીએ છીએ. આથી, આપણે તે વિચારવું જ જોઈએ. આ સર્વે વિશે મને વધુ આઘાત એ લાગ્યો છે કે સ્ટ્રોક્સ અટકાવી શકાય છે તેની ઘણાં લોકોને જાણ જ હોતી નથી. બ્લડ પ્રેશર નિયમિત ચેક કરાવવાથી આ જોખમ નોંધપાત્રપણે ઘટાડી શકાય છે.’
સ્ટ્રોક એસોસિયેશનના ચીફ એક્ઝિક્યુટિવ જુલિયેટ બોવેરીએ કહ્યું હતું કે,‘સ્ટ્રોક કોઈને પણ આવી શકે પરંતુ, જો તમે સાઉથ એશિયન મૂળના હો તો યુવાન વયે સ્ટ્રોક આવવાનું જોખમ વધુ રહે છે. સૌથી સરળ માર્ગ બ્લડ પ્રેશર નિયમિત ચેક કરાવવાનો છે. હાઈ બ્લડ પ્રેશરના લક્ષણો ભાગ્યે જ જણાય છે. આથી, મોટા ભાગના લોકોને તેની જાણ થતી નથી. જો તમારું બ્લડ પ્રેશર ઘણું ઊંચુ રહેતું હોય તો તમારી ધમનીઓ અને હાર્ટ પર દબાણ આવે છે. સારવાર લેવાથી સ્ટ્રોક જ નહિ, હાર્ટ એટેકનું જોખમ પણ ઘટે છે.’

