લંડનઃ યુકેમાં ૧,૧૫૦થી વધુ એશિયનો અંદાજે ટ્રાન્સપ્લાન્ટ માટે અંગ મળે તેની પ્રતીક્ષા કરી રહ્યા છે. સરેરાશ એક વર્ષ કરતા વધુ સમય સુધી રાહ જોતા આ દર્દીઓનું જીવન ગંભીર જોખમમાં મૂકાય છે. એક અંદાજ મુજબ એશિયન અને આફ્રિકન લોકોને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની ત્રણ ગણી જરૂર પડે છે. જ્યારે NHS ઓર્ગન ડોનર રજિસ્ટરમાં આ વસતિના એક ટકા કરતા પણ ઓછા લોકો નોંધાયેલા છે.
સોશિયલી એંગેજ્ડ આર્ટનો અભ્યાસ કરતા યુનિવર્સિટી ઓફ લેંકેશાયરના ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ જૈસન ચાકો મેથ્યુએ આ કટોકટીને ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘પ્રાણ – લાઈફ ઈન યુ’ દ્વારા રજૂ કરી છે. આ ફિલ્મનો હેતુ એશિયનોમાં અંગ દાનના મહત્ત્વ વિશે જાગૃતિ કેળવવાનો છે. મેથ્યુએ ઈંગ્લેન્ડમાં રહેતા અને લાંબા ગાળાની બીમારીમાં અંગ મળે તેની રાહ જોઈ રહેલા એશિયનોની સત્ય કથાઓને ફિલ્મમાં વણી લીધી છે.
મેથ્યુ ભારતમાં જન્મેલા મીડિયા પ્રોફેશનલ છે તે મીડિયા પ્રોડક્શન એન્ડ ટેક્નોલોજીમાં ડિગ્રી ધરાવતા ફ્રી લાન્સ વીડિયોગ્રાફર છે. હાલમાં તે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેંકેશાયરમાં ફોટાગ્રાફીમાં માસ્ટર્સનો તેમજ બ્રિટિશ એકેડેમી ઓફ ફોટોગ્રાફીમાંથી ફોટોગ્રાફીમાં પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમાનો અભ્યાસ કરે છે. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના પ્રોજેક્ટના ભાગરૂપે તેમણે યુકેના એશિયન ડાયસ્પોરામાં ઓર્ગન ડોનેશનના સામાજિક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હતું. યુકેમાં બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી ઈથનીક (BAME)માં ઓર્ગન ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટેશન સંબંધિત મુદ્દાઓ પર ફિલ્મમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે.

