લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વેસ્ટમિન્સ્ટરના સેન્ટ્રલ હોલમાં ‘ભારત કી બાત, સબ કે સાથ’ કાર્યક્રમમાં હાજરી આપવા અને ભાગ લેવા માટે વોટથી પસંદ કરાયેલા ૧,૫૦૦થી વધુ લોકોને સંબોધન કર્યું ત્યારે હોલ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યો હતો. સેન્ટર સ્ટેજ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સર્ટિફિકેશનના ચેરમેન, પટકથા લેખક અને કવિ પ્રસૂન જોશીએ ટાઉનહોલ સ્ટાઈલ મુલાકાતમાં લીધો હતો. પ્રેક્ષકો સેન્ટર સ્ટેજની ફરતે બેઠા હતા.
ન.મો.એ ચા વેચવાવાળાથી લઈને શાહી મુલાકાતી સુધીની પોતાની સફર વિશે ખુલ્લા મને વાત કરી હતી. તેમણે તેમની સરકાર દ્વારા નીતિ ઘડતર અને માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ, આતંકવાદ, પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈકની ભીતરની વાતો, ગરીબી, વિદેશ નીતિ વિશે જણાવ્યું હતું. આ સમસ્યાઓના ઉકેલ માટે તેની પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલવા પણ તેમણે લોકોને અનુરોધ કર્યો હતો.
તેમણે મરજીથી સબસિડી જતી કરવા બદલ ભારતીયોની પ્રશંસા કરી હતી, તેમની તાકાત કેવી રીતે દેશના નાગરિકોમાં છે તેની અને લોકો તેમને વધુ પરીશ્રમ કરવા કેવી રીતે પ્રેરણા પૂરી પાડે છે તેની મોદીએ વાત કરી હતી. ‘ઈન્ટરવ્યૂ’ને પૂર્વઆયોજિત હોવાનું જણાવીને તેમણે તેના પર પણ હળવી રમૂજ પણ કરી હતી. જોકે, તેઓ હોલમાં બેઠેલા ડાયસ્પોરાના હૃદયને સ્પર્શવામાં સફળ રહ્યા હતા. દર્શકો વારંવાર ‘ભારત માતા કી જય’ના નારા લગાવતા હતા.
મોદીએ આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મના કથુઆ કેસથી ભારતની અશાંતિનો આડકતરો ઉલ્લેખ કરીને તેમણે પોતાને સમર્થન નહીં આપનારા લોકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા. તેમણે કહ્યું હતું, ‘દુષ્કર્મ એ દુષ્કર્મ છે. આપણે આપણી પુત્રીઓ પર થતા આ અત્યાચારને કેવી રીતે સાંખી લઈએ? આપ હંમેશા આપની પુત્રીઓને જ પ્રશ્રો પૂછો છો, તે જ પ્રશ્રો આપ આપના પુત્રોને શા માટે પૂછતા નથી? હું માનું છું કે આ વ્યક્તિગત નહીં પરંતુ સમાજનું દૂષણ છે. દેશ માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. જે લોકો આ પાપ કરે છે તે કોઈકના પુત્ર છે. નાની બાળકી પર જ્યારે પણ જાતીય અત્યાચાર થાય છે ત્યારે તે આપણા સૌ માટે દુઃખદ હોય છે.’
પાર્લામેન્ટ સ્કવેર પર અને ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ બહાર ૫૦૦થી વધુ લોકોએ ભારતમાં થતા દુષ્કર્મ અને અન્ય મુદ્દા અંગે તેમનો વિરોધ કર્યો હતો અને પીડિતો માટે ન્યાયની માગણી કરી હતી.
આ મુલાકાત ઐતિહાસિક હતી?
વડા પ્રધાન મોદી બાવન દેશોના વડા સાથે ‘ચોગમ’ શિખર બેઠકમાં ભાગ લેવા યુકેની મુલાકાતે આવ્યા હતા. તેમની આ મુલાકાતને કોમનવેલ્થ પ્રત્યે ભારતની એક દાયકા જૂની ઉપેક્ષાના અંત સમાન મનાય છે. આ મુલાકાત અન્ય ઘણી રીતે ઐતિહાસિક રહી. પહેલું તો ક્વીને તેમને વ્યક્તિગત પત્ર પાઠવ્યો અને ગયા વર્ષે પ્રિન્સ ચાર્લ્સ ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે ભારતના વડા પ્રધાનને રૂબરૂ આમંત્રણ આપ્યું હતું. બીજું, ભારત સાથેના સંબંધ પ્રત્યે ભાવિ રાજાની પ્રતિબદ્ધતાના પ્રતીકરૂપે આયુર્વેદિક સેન્ટર ઓફ એક્સેલન્સનું પ્રિન્સ ચાર્લ્સ અને વડા પ્રધાન મોદીએ ઉદઘાટન કર્યું.
પ્રિન્સ ઓફ વેલ્સે જાતે વડા પ્રધાન મોદીને લંડનનું સાયન્સ મ્યુઝિયમ બતાવવાની પણ જવાબદારી લીધી. ક્વીન એલિઝાબેથ દ્વિતીયે વડા પ્રધાન મોદી સાથે ઔપચારિક બેઠક પણ યોજી. આ વખતે ક્વીન સાથેની ખાસ બેઠકમાં જે ત્રણ મહાનુભાવો ઉપસ્થિત હતા તેમાં મોદી એક હતા.
મોદીની આ મુલાકાતથી બ્રેક્ઝિટ બાદ દ્વિપક્ષીય મુક્ત વેપાર સોદાની શક્યતા માટે ભૂમિકા તૈયાર થઈ અને એક બિલિયન પાઉન્ડ સુધીના સંખ્યાબંધ વાણિજ્યિક કરારો પર હસ્તાક્ષર થયા.
અન્ય દેશોના વડાને પણ મોદી મળ્યા અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સાથેની તેમની અડધા કલાકની મુલાકાતે સૌનું ધ્યાન ખેંચ્યુ હતું.
મોદીનો અતિ વ્યસ્ત પ્રવાસ
ભારતીય ડાયસ્પોરાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭થી ૨૦ એપ્રિલ, ૨૦૧૮ સુધી યુકેની લીધેલી મુલાકાતને આનંદથી વધાવી લીધી હતી. વડા પ્રધાન મોદી કોમનવેલ્થ હેડ્સ ઓફ ગવર્મેન્ટ મીટિંગ (CHOGM) માં હાજરી આપવા લંડન આવ્યા હતા. તેમનો લંડનપ્રવાસ ભારે વ્યસ્ત રહ્યો હતો. તેમણે વડા પ્રધાન થેરેસા મે સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ અને કરારો પર હસ્તાક્ષર કરવા સાથે ક્વીન એલિઝાબેથ દ્વિતીયની મુલાકાત લીધી હતી અને ભારતીય સમુદાય સાથે પણ સમય વીતાવ્યો હતો. ફોરેન સેક્રેટરી બોરિસ જ્હોન્સને ૧૭ એપ્રિલની રાત્રે લંડનના હીથ્રો એરપોર્ટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ તેમણે થોડો સમય બેઠક યોજી હતી. આ પછી વડા પ્રધાન મોદી મધરાતે તેમના ઉતારાના સ્થળ સેન્ટ જેમ્સ હોટેલ પહોંચ્યા હતા.
બુધવાર, ૧૮ એપ્રિલે સવારે ૮ વાગે નરેન્દ્ર મોદીના સમર્થકો ભારતીય ધ્વજ અને પ્લેક્સ તેમજ ‘ચક દે ઈન્ડિયા’ અને ‘હર હર મોદી’ના સૂત્રોચ્ચારો સાથે ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પર તેમનું સ્વાગત કરવા એકત્ર થયા હતા. આશરે ૮.૫૪ કલાકે શ્રી મોદી ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ પર આવી પહોંચ્યા હતા અને શ્રીમતી મેએ પ્રવેશદ્વારે તેમનું સ્વાગત કરી તેમના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી. બ્રેકફાસ્ટ મીટિંગમાં બંને નેતાઓ વચ્ચે ઇમિગ્રેશન અને સરહદ પારના ત્રાસવાદના મુદ્દે ચર્ચા થઈ હતી. આ પ્રસંગે બ્રિટન ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આઈએસએ)નું નવું સભ્ય બન્યું.
મોદીએ થેરેસા મે સાથેની મુલાકાત બાદ કહ્યું કે તેનાથી અમારા સંબંધોમાં નવી ઊર્જા આવશે. મને આનંદ છે કે બ્રિટન ઈન્ટરનેશનલ સોલર એલાયન્સનો ભાગ બનશે. મને વિશ્વાસ છે કે આ ફક્ત ક્લાઈમેટ ચેન્જ વિરુદ્ધ આપણું યુદ્ધ નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે અભિયાન છે.
આયુર્વેદિક સેન્ટર ઓફ એક્સલન્સ
આ પછી, મોદી વડા પ્રધાન મોદી પ્રિન્સ ચાર્લ્સ દ્વારા સાયન્સ મ્યુઝિયમમાં આયોજિત ‘૫૦૦૦ યર્સ ઓફ સાયન્સ એન્ડ ઇનોવેશન’માં ભાગ લેવા પહોંચ્યા હતા. પ્રિન્સ ચાર્લ્સ અને મોદી વચ્ચે ઉષ્માપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન મૂળ ભારતીય બાળકીઓએ સાંસ્કૃતિક કાર્યક્રણ પણ રજૂ કર્યો હતો. આ પ્રસંગે જ આયુર્વેદિક સેન્ટર ઓફ એક્લસન્સનું લોન્ચિંગ પણ થયું હતું. અહીં ઇલ્યુમિનેટિંગ ઈન્ડિયા, સાયન્સ એન્ડ ઈનોવેશનનાં ૫૦૦૦ વર્ષ નિહાળ્યાં. તેમાં ભારતની એ શોધને સ્થાન અપાયું છે જેણે દુનિયાને બદલવામાં મહત્વની ભૂમિકા ભજવી. પ્રિન્સ ચાર્લ્સની પહેલથી આ સેન્ટર લોન્ચ કરાયું છે અને ભવિષ્યમાં NHS અને GP પ્રીસ્ક્રિપ્શન્સમાં આયુર્વેદિક ઔષધો પણ લખાય તેવી આશા છે. રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ સર વેંકટરામન રામક્રિષ્ણને પ્રિન્સ ચાર્લ્સ અને શ્રી મોદીને પ્રદર્શન બતાવ્યું હતું.
બસવેશ્વરાને પુષ્પાંજલિ
લંડનમાં વડા પ્રધાન મોદી કર્ણાટકને ભૂલ્યા નહોતા. અને ૧૨મી સદીના ભારતીય દાર્શનિક (લિંગાયત) અને સમાજસુધારક બસવેશ્વરાની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. આ સમયે લોકોએ ભારત માતા કી જય અને હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા પોકાર્યા હતા. બસવેશ્વરા ભારતીય લોકશાહીના પ્રણેતા હોવાનું મનાય છે. આ પછી વડા પ્રધાને ફ્રાન્સિસ ક્રિક ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લઈ રિસર્ચ લેબ્સ નિહાળી હતી. તેમણે વડા પ્રધાન થેરેસા મે સાથે ઈન્ડિયા-યુકે સીઈઓ ફોરમ ખાતે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત અને યુકે સહકારને નિહાળ્યો હતો. બંને નેતાએ મેલેરિયા અને કેન્સર રિસર્ચમાં મહત્ત્વપૂર્ણ સફળતાની ચર્ચા કરી હતી. સાંજે તેઓ બકિંગહામ પેલેસમાં ક્વીનની મુલાકાત માટે પહોંચ્યા હતા.
મોદીએ ટ્વિટ કરી કવિતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી વેસ્ટમિન્સ્ટરના સેન્ટ્રલ હોલમાં ભારતીય કોમ્યુનિટી સાથે ‘ભારત કી બાત સબ કે સાથ’ કાર્યક્રમમાં જોડાયા હતા અને દુનિયાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન, લેખક-કવિ પ્રસૂન જોષી સાથે વાતચીત દરમિયાન મોદીએ કેટલાક વિષયો પર વાતચીત કરી હતી. જે દરમિયાન વડા પ્રધાન મોદીએ પોતાની કવિતા ‘રમતા રામ અકેલા’ સંભળાવી હતી. આ પછી તેણે પોતાની આ કવિતા સોશિયલ મીડિયા ટ્વિટર પર પોસ્ટ કરી હતી. (ગુજરાતીમાં લખાયેલી આ કવિતા આ સાથે રજૂ કરી છે)
પોતાના કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાને કહ્યું હતું કે, આજે પણ તેમને આ કવિતા યાદ છે. હકીકત એ હતી કે, પ્રસૂન જોષીએ નરેન્દ્ર મોદીના અલગારીપણા અંગે સવાલ કર્યો હતો. મોદીએ આ જવાબમાં ભૂતકાળનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ફકીરી જેવા શબ્દનો ઉપયોગ કરવો એ મોટી વાત છે. હું એવી પરિસ્થિતિમાંથી આગળ આવ્યો છું કે, કોઈ વસ્તુની અસર થતી નથી. પ્રસૂન જોષીએ પણ વડા પ્રધાન માટે કવિતાપઠન કર્યું હતું. પ્રસૂન જોષીએ કહ્યું કે, મોદીએ રેલવેસ્ટેશનથી રોયલ પેલેસ સુધીની યાત્રા કરી છે, જેના પર મોદીએ કહ્યું કે, જીવનનો રસ્તો ખૂબ કઠિન છે.
આપણે...
સમી સાંજની વેળાઃ આપણે રમતારામ અકેલા,
મારા આ તનમનમાં ઊભરે તરણેતરના મેળા.
કોઈ પાસે નહીં લેવુંદેવુંઃ કદી હોય નહીં મારું-તારું,
આ દુનિયામાં જે કૈં છે તે મનગમતું મઝીયારું.
રસ્તો મારો સીધોસાદોઃ નહીં ભીડ, નહીં ઠેલમઠેલા,
સમીસાંજની વેળાઃ આપણે રમતારામ અકેલા.
કોઈ પંથ નહીં, નહીં સંપ્રદાય, માણસ એ તો માણસ,
અજવાળામાં ફરક પડે શું? કોડિયું હોય કે ફાનસ.
ઝળાંઝળાં ઝુમ્મરની જેવાં ક્યારેય નહીં લટકેલા
સમીસાંજની વેળા, આપણે રમતારામ અકેલા
મોદીની ‘તંદુરસ્તીનું રહસ્ય’
મોદીએ તેમની તંદુરસ્તીના રહસ્ય અંગે પૂછાયેલા એક સવાલના જવાબમાં હળવાશથી જણાવ્યું હતું કે, હું છેલ્લા ૨૦ વર્ષથી દરરોજ ટીકાકારોની એક-બે કિલો ગાળો ખાઉં છું તેથી હું તંદુરસ્ત રહું છું. આ પછી, તેમની સરકારની નીતિઓ, સુવહીવટ, તેમના અદમ્ય ઉત્સાહ અને ઊર્જા સહિતના પ્રશ્નો પણ પૂછાયા હતા.
આ પછી, યુકેના વડા પ્રધાન દ્વારા કોમનવેલ્થના નેતાઓ માટે આયોજિત ભોજન સમારંભમાં મોદીએ હાજરી આપી હતી.
૧૯ એપ્રિલે શ્રી મોદી ચોગમના સત્તાવાર ઉદ્ઘાટન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. ક્વિન એલિઝાબેથ દ્વિતીયે બકિંગહામ પેલેસમાં સંમેલનનો પ્રારંભ કર્યો હતો.
લેન્કેસ્ટર હાઉસમાં કોમનવેલ્થ બેઠકોના દોર પછી ક્વીન દ્વારા સ્વાગત અને ભોજન સમારંભનું આયોજન કરાયું હતું. વડા પ્રધાન મોદીએ વિવિધ કોમનવેલ્થ વડાઓ સાથે દ્વિપક્ષી મંત્રણાઓ કરી હતી. ૨૦ એપ્રિલે મોદીએ વિન્ડસર ખાતે અન્ય નેતાઓ સાથે રીટ્રિટમાં હાજરી આપી હતી અને ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે મુલાકાત અર્થે જર્મની જવા રવાના થયા હતા.
હીરો સાયકલ્સ દ્વારા ઈ-બાઈક્સનું પ્રદર્શન
માન્ચેસ્ટરમાં હીરો સાયકલ્સ દ્વારા યુકે અને ભારતના વડા પ્રધાનો માટે ઈ-બાઈક્સનું પ્રદર્શન યોજાયું હતું. વડા પ્રધાન મોદી અને થેરેસા મે હીરો સાયકલ્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પંકજ મુંજાલને મળ્યા હતા. તેમને લેક્ટ્રો બાઈક્સની રેન્જ દર્શાવાઈ હતી. વિશ્વમાં સૌથી મોટા બાઈક ઉત્પાદક હીરો દ્વારા જાન્યુઆરી ૨૦૧૭માં માન્ચેસ્ટર ખાતે ૨ મિલિયન પાઉન્ડનું ગ્લોબલ ડિઝાઈન સેન્ટર લોન્ચ કરાયું હતું.

