વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બ્રિટન મુલાકાત વખતે કેટલાક ભારતવિરોધી જૂથોએ લંડનમાં વિરોધ પ્રદર્શનોનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કેટલાક તોફાનીઓએ ૫૩ કોમનવેલ્થ દેશના રાષ્ટ્રધ્વજમાંથી ભારતીય તિરંગો ફાડી નાંખતા મામલો બિચક્યો હતો. ભારત સરકારે રાષ્ટ્રધ્વજના અપમાન બદલ બ્રિટન સરકાર સમક્ષ તીવ્ર નારાજગી દર્શાવી છે. બ્રિટન સરકારે પણ આ ઘટના અંગે ખેદની લાગણી વ્યક્ત કરી છે, પરંતુ ભારત સરકારે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર તત્વો સામે પગલાં લેવાની માગણી વ્યક્ત કરી છે. ભારતીય સમુદાયે આ માગના સમર્થનમાં પીટિશન ઝૂંબેશ પણ હાથ ધરી છે, જેમાં સેંકડો લોકોએ હસ્તાક્ષર કર્યા છે.
વડા પ્રધાન મોદી લંડનમાં કોમનવેલ્થ દેશોના વડાઓ સકાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં વ્યસ્ત હતા તે દરમિયાન આ ઘટના બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતમાં મહિલા હિંસા અને દલિત અત્યાચારના વિરોધના નામે કાશ્મીર અને ખાલિસ્તાનની આઝાદીની માગ કરતા કેટલાક જૂથોએ વડા પ્રધાન મોદી વિરુદ્ધ ઊગ્ર દેખાવો કર્યો હતો. આ દેખાવો જોતજોતામાં હિંસક થઈ ગયા હતા.
આ મુદ્દે વડા પ્રધાન મોદીના પ્રતિનિધિ મંડળમાં સામેલ એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, આ મુદ્દે આ બ્રિટિશ ઓથોરિટી સામે ફરિયાદ કરી છે. તિરંગાના અપમાન બદલ તેમણે માફી માંગવી પડશે. વડા પ્રધાનના કાર્યક્રમ બદલ કેટલાક જૂથો મુશ્કેલી ઊભી કરી શકે છે એવી અમે અગાઉથી જ ચેતવણી આપી દીધી હતી. લોકશાહીમાં દરેકને વિરોધ કરવાનો અધિકાર છે પરંતુ એ શાંતિપૂર્વક થવા જોઈએ.
જોકે, આ દરમિયાન ભારતીયોની અનેક સંસ્થાઓએ દાવો કર્યો હતો કે વડા પ્રધાન મોદીને અમારો સંપૂર્ણ ટેકો છે. અમે તેમને અહીં આમંત્રિત કર્યાં છે.
પિટિશનો અને હસ્તાક્ષરો
બ્રિટિશ પોલીસની નજર સામે જે ગુનેગારોએ ભારતનો રાષ્ટ્રધ્વજ ફાડી નાખ્યો તેમની સામે પગલાં લેવાની માગણી સાથે હજારો લોકો હવે ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ-યુકે દ્વારા શરૂ કરાયેલી પિટિશન પર હસ્તાક્ષરો કર્યા હતા.
દેશભરના ૩૦૦થી વધુ હિંદુ ગ્રૂપનું પ્રતિનિધિત્વ કરતી હિંદુ ફોરમ ઓફ બ્રિટને હોમ સેક્રેટરી એમ્બર રડને પત્ર લખીને માગણી કરી છે કે ગયા બુધવારે પાર્લામેન્ટ સ્ક્વેર પર ‘માઈનોરિટીઝ અગેઈન્સ્ટ મોદી’ વિરોધ દેખાવોનું આયોજન કરનારા લોર્ડ નઝિર એહમદની લોર્ડશિપ રદ કરી દેવી જોઈએ અને વડા પ્રધાન મોદી વિરુદ્ધ હિંસક દેખાવોને ઉશ્કેરવા અને યોજવા માટે તેમને જવાબદાર ઠેરવવા તપાસ થવી જોઈએ
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે લંડનમાં હણાયેલા ભારતના ગૌરવને પુનઃસ્થાપિત કરો. નિવેદનમાં લોકોને તેમના સ્થાનિક સાંસદને ઉદેશીને પત્ર પાઠવીને ન્યાય માગવા અનુરોધ કરાયો હતો.
સમર્થકોનો સૂત્રોચ્ચાર
ડાઉનિંગ સ્ટ્રીટના ગેટ બહાર સ્ત્રી અને પુરુષો સહિત ૧૦૦થી વધુ સમર્થકોએ ભારતીય વસ્ત્રોમાં ‘નમો’ને સપોર્ટ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ઢોલના નાદ સાથે મહિલાઓએ નૃત્ય પણ કર્યું હતું. મોદી ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટથી અન્ય કાર્યક્રમો માટે રવાના થયા ત્યારે ઈન્ડિયન લેડીઝ - યુકે, ઉત્તરાખંડ વેલ્ફેર એસોસિયેશન, ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ - યુકે, ઈન્ડો-યુરોપિયન કાશ્મીર ફોરમ, યુકે દેવભૂમિ ટ્રસ્ટ - વેસ્ટ મિડલેન્ડ્સ, બિહારી કનેક્ટ - યુકે સહિતની સંસ્થાઓના સભ્યોએ ભારતીય તિરંગા લહેરાવ્યા હતા. મોદીએ હાથ હલાવી આ લોકોનું અભિવાદન કર્યું હતું.

