લંડનઃ હોમ સેક્રેટરી એમ્બર રડે મંગળવારે જાહેરાત કરી હતી કે યુકેમાં ૧૯૭૩ પહેલા આવેલા અને અહીં જ જીવન વીતાવવા માટે રોકાયેલા વિન્ડરશ જનરેશનના સભ્યો ફ્રી સિટીઝનશિપ માટે લાયક ગણાશે. આ ઓફરનો લાભ માત્ર કેરેબિયન નાગરિકો જ નહીં પરંતુ, કોમનવેલ્થના તમામ દેશોના લોકોને મળશે. જેમની પાસે હાલ કોઈ ડોક્યુમેન્ટ નથી, જેમની પાસે વસવાટનો અધિકાર છે અને જે લોકો પોતાનું સ્ટેટસ અને વિન્ડરશ જનરેશનના બાળકોને આગળ વધારવા માગે છે તે તમામને આ ઓફરનો લાભ મળશે.
વધુમાં, જે લોકોને યુકેમાં વસવાટના અધિકારના પૂરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેવાને લીધે નુક્સાન થયું હોય તો તેવી વ્યક્તિઓને વળતર માટેની સ્કીમ પણ શરૂ કરવામાં આવશે તેમ હોમ સેક્રેટરીએ જણાવ્યું હતું. હોમ ઓફિસ આ ઓફર પર વળતરની શક્યતા વિશે હિસ્સેદારોને સાંકળશે અને સ્કીમના નિરીક્ષણ માટે સ્વતંત્ર સલાહકારની નિમણુંક કરશે.
જુદાજુદા ઘણાં ઈમિગ્રેશન રૂટને લીધે મુશ્કેલી અનુભવતા લોકો એક જ વ્યક્તિ સાથે વાત કરી શકે અને યોગ્ય સલાહ મેળવી શકે તે માટે નવું કસ્ટમર કોન્ટેક્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. એમ્બર રડે જણાવ્યું હતું, ‘યુકેમાં વિન્ડરશ જનરેશનનું યોગદાન અને યુકેમાં તેમના રહેવાના અધિકાર વિશે કોઈ શંકા નથી અને જે પરિસ્થિતિસર્જાઈ છે તેના માટે હું ખૂબ દિલગીર છું.’
૧૯૭૩થી ૧૯૮૮ વચ્ચે યુકેમાં આવેલા લોકોનું સ્ટેટસ રેગ્યુલર થઈ જાય તે માટે તેમને સહાય કરવામાં આવશે. સિટીઝનશિપ માટેની અરજી સાથે કોઈ ફી લેવાની નથી. આ સંજોગોમાં લોકોએ નોલેજ ઓફ લેંગ્વેજ એન્ડ લાઈફ ઈન યુકે ટેસ્ટ આપવાની જરૂર રહેતી નથી.

