લંડનઃ પ્રિન્સ હેરી અને અભિનેત્રી મેગન મર્કેલના ૧૯ મેએ યોજાનારા લગ્નની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. પ્રિન્સ હેરી અને મર્કેલ તૈયારીમાં વ્યસ્ત છે. જોકે, આ યુગલે લગ્નમાં રાજકીય નેતાઓને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લીધો હતો. તેથી બ્રિટનના વડાપ્રધાન થેરેસા મે અને વિપક્ષી લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બિન, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા અને તેમના પત્ની મિશેલ સહિત ઘણાં વિદેશી પ્રમુખોને લગ્નનું આમંત્રણ અપાયું નથી.
ઓબામા દંપતી પ્રિન્સ હેરીના સારા મિત્ર છે. ટ્રમ્પને આમંત્રણ ન હોવાની વાતને વ્હાઇટ હાઉસે સમર્થન આપ્યું હતું. બ્રિટનના વડાપ્રધાનના કાર્યાલય ડાઉનિંગ સ્ટ્રીટે પણ લગ્નનું આમંત્રણ ન મળ્યું હોવાનું જણાવ્યું હતું. આ શાહી લગ્નમાં માત્ર ૨,૬૦૦ મહેમાનોને જ નિમંત્રણ અપાયું છે, જેમાંથી લગ્નમાં માત્ર ૮૦૦ લોકો હાજર રહેશે.
મહેમાનોમાં ભારતીય મૂળના શૅફ રોઝી ગિંડે અને અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો સમાવેશ થાય છે. બ્રિટનમાં જન્મેલાં પંજાબી માતા-પિતાની સંતાન રોઝી એવા સામાન્ય લોકોમાં છે જેમને પોતાના સમાજમાં નોંધપાત્ર યોગદાન બદલ આમંત્રણ અપાયું છે. ગિંડે બિઝનેસ યુનિટ 'મિસ મૈકારુન'નાં સંસ્થાપક છે. બ્રિટનની રાજગાદીના પાંચમા દાવેદાર ૩૩ વર્ષીય હેરીના લગ્નનો સમારોહ વિન્ડસર પેલેસના સેન્ટ જ્યોર્જ ચેપલમાં યોજાશે, જ્યાં માત્ર ૮૦૦ મહેમાનોનો જ સમાવેશ થઈ શકે તેમ છે. આ સ્થળે ૨૦૧૧માં પ્રિન્સ વિલિયમ અને કેટનાં જ્યાં લગ્ન થયાં હતાં તે વેસ્ટમિન્સ્ટર એબેથી નાનું છે. ત્યારે ૧,૯૦૦ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. શાહી પરિવારના સૂત્ર મુજબ હેરી કે મેગન અથવા તો બંને સાથે સીધી રીતે સંકળાયેલા લોકોને લગ્નમાં આમંત્રણ અપાયું છે. પ્રિન્સ હેરીનાં લગ્ન માટે ગયા મહિને ૬૦૦ મહેમાનોને આમંત્રણ પાઠવાયું હતું, જેમાં ૨૦૦ જેટલા નજીકના મિત્રો પણ સામેલ છે.

