સમાજમાં બ્રિટિશ હિંદુઓનો ફાળો તેમજ તેની સામેના પડકારોનું વિશ્લેષણ કરવા તેમજ તેને ઉજાગર કરવાના હેતુથી વિશ્વ હિંદુ પરિષદ (VHP) યુકે દ્વારા તા.૨૧ જુલાઈને શનિવારે બુશી એકેડેમી ખાતે એક દિવસીય બેઠક યોજાઈ હતી. તેમાં વૈજ્ઞાનિકો, વકીલો, તત્વચિંતકો, મેડિકલ ડોક્ટરો, સશસ્ત્ર દળો અને ૩૦ જેટલી બ્રિટિશ હિંદુ સંસ્થાઓના ૨૦૦ જેટલા પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. નવલ પ્રિન્જાએ સંભાળ્યું હતું. ડો. પૂનમ કક્કર અને VHP યુકેના પ્રમુખ ડો. ત્રિભોવન જોટંગિયા કાર્યક્રમના અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ કીથ વાઝ અને લોર્ડ જિતેશ ગઢિયાએ બ્રિટિશ હિંદુઓ અને ઓથોરિટીઝ વચ્ચેનું હિત કેવી રીતે વધુ સારું બનાવી શકાય અને બ્રિટિશ રાજકારણમાં હિંદુ પ્રતિનિધિત્વ વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.
બ્રિટિશ હિંદુ જૂથ યુકેમાં ત્રીજું સૌથી મોટું ધાર્મિક જૂથ છે અને તે કાયદાનું સંપૂર્ણપણે પાલન કરનારું, મહેનતુ અને સહિષ્ણુ છે. તે છતાં તેની સામેના પડકારો બાબતે વિચારણા કરવાની આવે ત્યારે તેને મુખ્યપ્રવાહથી અલગ કરી દેવાય છે. બ્રિટિશ હિંદુ સમાજ માટે કેવી રીતે જાગૃતિ કેળવવી તે મુદ્દે VHP દ્વારા આ સભાનું આયોજન કરાયું હતું.
બેરિસ્ટર જયેશ જોટંગિયાએ હિંદુ લગ્નો, અંતિમસંસ્કાર અને પૂજારીના ઈમિગ્રેશન સહિતની બાબતોમાં લઘુમતિ તરીકે હિંદુ સમાજને અસર કરતા વિવિધ કાયદા અને નિયમોની વિસ્તૃત છણાવટ કરી હતી. રોયલ નેવીના સર્જન કમાન્ડર ડો. મનિષ તયાલ MBEએ બ્રિટિશ આર્મ્ડ ફોર્સીસમાં હિંદુ કર્મચારીઓને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેની તેમજ સ્થાનિક સમાજમાં સપોર્ટ નેટવર્કની જરૂર હોવાની વાત કરી હતી. ડો. સચિન નાંઢા પીએચડી (Oxon)એ હિંદુ તત્વજ્ઞાન ભવિષ્યમાં આધુનિક બ્રિટનને કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વાત કરી હતી.
એસ્ટન યુનિવર્સિટીના પ્રો. પવન બુધવારે બ્રિટિશ શિક્ષણજગતમાં હિંદુઓની ભૂમિકાની વાત કરતા જણાવ્યું હતું કે બ્રિટનમાં ભારતીય શિક્ષણવિદોની સંખ્યા ૫,૦૦૦નો આંક પાર કરી ગઈ છે. ક્રેનફિલ્ડ યુનિવર્સિટીના પ્રો. સુનિલ પોષાકવાલે જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં બ્રિટિશ હિંદુઓનું ૬ ટકા યોગદાન છે. તે જેટલું મેળવે છે તેના કરતા વધુ પાછું આપે છે.
નોર્ધમ્પ્ટન જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. અરુણા ભલ્લાએ જણાવ્યું હતું કે NHSમાં ભારતીયોનું જૂથ બીજું મોટું જૂથ છે. ડો. રમેશ પટ્ટણીએ જણાવ્યું હતું કે યુકેમાં બ્રિટિશ હિંદુઓનો સૌથી સુખી અને સૌથી શિક્ષિત સમાજો પૈકી એક તરીકે સમાવેશ થાય છે. અનિલ નેનેએ જણાવ્યું હતું કે બ્રિટિશ મીડિયામાં હિંદુઓ વિશે ગેરસમજ અને હિંદુ વિરોધી પૂર્વગ્રહ છે. હિંદુ સ્વયંસેવક સંઘ, યુકેના ચંદ્રકાન્ત શર્માએ યુકે અને ભારતમાં બ્રિટિશ હિંદુઓ સમક્ષના પડકારોની વાત કરી હતી. VHP યુકેના મહામંત્રી ડો. વિનય શર્માએ આભારવિધિ કરી હતી. ત્યારબાદ પ્રશ્રોત્તરી યોજાઈ હતી.

