સીએટલ: અમેરિકાના વોશિંગ્ટન સ્ટેટના સીએટલ શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના ૫૧મા પાટોત્સવની ભવ્ય અને ઉલ્લાસપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી. આ પર્વે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજીના પાવન સાનિધ્યમાં સ્વામિનારાયણબાપાનું ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, નીરાજન વગેરે કરવામાં આવ્યા હતા. તેમાં અનેક સત્સંગીઓ અને ભાવિકોએ હાજર રહીને ધન્યતા અનુભવી હતી.
સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી અને તત્સંકલ્પ સ્વરૂપો સમક્ષ ભવ્ય અને દિવ્ય અન્નકૂટની સજાવટ કરવામાં આવી હતી. સ્વામીબાપાના આશીર્વાદ, અન્નકૂટ આરોગતા સ્વામિનારાયણબાપાની આરતી, સ્નેહમિલન વગેરે કાર્યક્રમો સંપન્ન થયા હતા. મુક્તજીવનસ્વામી બાદમાં સંત ભક્ત મંડળ સહ સીએટલથી ન્યૂયોર્ક પધાર્યા હતા.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમેરિકાની ધરા પર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આજથી ૪૮ વર્ષ પહેલાં ઈ.સ. ૧૯૭૦ના ઓકટોબરની ૨૬ મીએ સૌ પ્રથમ પદાર્પણ કર્યું હતું. લાલજીભાઈ ગરવલીયા અને તેમના પુત્ર કૃષ્ણલાલે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. તેમના ગૃહે જ મંદિર હતું. દર્શન કર્યા બાદ મુક્તજીવન સ્વામીએ આશિષ ઉદ્ગારો ઉચ્ચાર્યા હતા, ‘અમેરિકા જેવા દેશમાં આટલે દૂર શ્રી ઘનશ્યામ મહારાજ અને જીવનપ્રાણ અબજી બાપાશ્રી બિરાજેલા છે તે સદાય પ્રગટ જ છે. મણિનગરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ પોતે જ અહીં બિરાજે છે એમાં કોઈ શક નથી.” સીએટલ પેસિફિક કોલેજ અને વોશિંગ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ગુજરાતી નવયુવકો સ્વામીબાપાના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

