ઈંગ્લેન્ડ-વેલ્સમાં નાઈફ ક્રાઈમ અને હત્યામાં ધરખમ ઉછાળો

Friday 27th July 2018 06:47 EDT
 
 

લંડનઃ આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં નાઈફ અને ગન્સને સાંકળતા અપરાધો તેમજ હત્યાના કેસીસમાં ધરખમ ઉછાળો આવ્યો છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા અનુસાર નાઈફ ક્રાઈમમાં ૧૬ ટકા અને હોમિસાઈડ્સ ગુનામાં ૧૨ ટકાની વૃદ્ધિ જોવાં મળી છે.

માર્ચ ૨૦૧૮ સુધીના વર્ષના ત્રણ મહિનામાં પોલીસમાં નોંધાયેલા અપરાધો અનુસાર ચાકુ અથવા તીક્ષ્ણ સાધનને સાંકળતા અપરાધો ૧૬ ટકા વધી ૪૦,૧૪૭ થયાં છે. હોમિસાઈડ એટલે કે હત્યા અને માનવવધની સંખ્યા ૭૪ અથવા ૧૨ ટકા વધી ૭૦૧ની થઈ હતી. આ હત્યામાં લંડન અને માન્ચેસ્ટરના ત્રાસવાદી હુમલાઓની અપવાદરુપ ઘટનાના મોતનો સમાવેશ કરાયો નથી.

ગન ક્રાઈમ્સમાં વધારો અવશ્ય થયો છે, પરંતુ તેની ટકાવારી નાઈફ ક્રાઈમ્સ જેટલી ઊંચી નથી. ગન ક્રાઈમ્સની સંખ્યા બે ટકા વધીને ૬,૪૯૭ થઈ છે. ક્રાઈમ સર્વે અને પોલીસમાં નોંધાયેલા ગુના અનુસાર ઘરફોડચોરીના ગુનાની સંખ્યા ૬ ટકા વધારા સાથે ૪૩૭,૫૩૭ તેમજ અને લૂંટના અપરાધની સંખ્યા ૩૦ ટકાના વધારા સાથે ૭૭,૧૦૩ જોવા મળી છે.

હોમ ઓફિસના અન્ય આંકડા અનુસાર ગત વર્ષમાં પોલીસ ઓફિસર્સની સંખ્યા ૧૨૩,૧૪૨ હતી ,જે ૩૧ માર્ચ સુધીમાં ઘટીને ૧૨૨,૪૦૪ની થઈ હતી. ૧૯૯૬માં રેકોર્ડ્સ રાખવાની શરુઆત થયા પછી આ સૌથી ઓછી સંખ્યા છે.


comments powered by Disqus