ફિલ્મ રિવ્યુઃ ‘ધડક’

Wednesday 25th July 2018 07:20 EDT
 
 

જ્હાનવી કપૂર અને ઈશાન ખટ્ટરની ધર્મા પ્રોડક્શનના બેનર તળે બનેલી ફિલ્મ ‘ધડક’ એ મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ની રિમેક છે. ‘ધડક’ના ડિરેક્ટર ડિરેક્ટર શશાંક ખૈતાન છે. ફિલ્મમાં ‘સૈરાટ’ની મૂળ વાર્તાનો જ આધાર લેવાયો છે, પણ દર્શકોને ધ્યાનમાં રાખીને ‘ધડક’માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જોકે ઓનર કિલિંગનો મુદ્દો સચોટ રીતે રજૂ કરાયો છે. ‘ધડક’માં લીડ કેરેક્ટર પાર્થવી (જ્હાનવી કપૂર) તથા મધુકર (ઈશાન ખટ્ટર) છે. મધુકર પોતાની કોલેજની સાથી પાર્થવીને પસંદ કરે છે અને પાર્થવીને પણ મધુકર પસંદ છે. ત્યાં સુધી કે મધુકર, પાર્થવીને મેળવવા માટે ઘણી જ મહેનત પણ કરે છે. પાર્થવી અમીર અને રાજકીય સામાજિક ક્ષેત્રે દબદબો ધરાવતા પરિવારમાંથી આવે છે. તેના પિતા રતનસિંહ (આશુતોષ રાણા) માથાભારેની છાપ ધરાવે છે. તો મધુ સામાન્ય પરિવારમાંથી આવે છે. છતાં મધુ અને તેનો પરિવાર પાર્થવીનું દિલ જીતી લે છે. બંનેની લવસ્ટોરી શરૂ થાય છે, પરંતુ ટૂંક સમયમાં જ પાર્થવીના પરિવારને આ સંબંધોની ખબર પડી જાય છે. પાર્થવીના પરિવારને મધુકર પસંદ નથી. અંતે બંને પ્રેમ માટે શહેર છોડીને જતા રહે છે.

ડેબ્યુ ફિલ્મ વખણાઈ

શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂરની આ પ્રથમ ફિલ્મ છે. ઈશાનની પણ કારકિર્દીની શરૂઆતની ફિલ્મોમાં જ ‘ધડક’નો સમાવેશ થાય છે, પણ બંનેની એક્ટિંગ મંજાયેલા એક્ટર્સ જેટલી સારી હોવાનું ફિલ્મ વિશેષજ્ઞોએ જણાવ્યું છે. આ સિવાય ફિલ્મમાં ઈશાનના મિત્ર બનેલા અંકિત બિશ્ત તથા શ્રીધર વત્સરની એક્ટિંગ પણ સારી છે તો આશુતોષ રાણા પોતાના કેરેક્ટરને સારી રીતે નિભાવી ગયા છે.

સૈરાટના જ ગીતો

‘સૈરાટ’ના ગીત અને સંગીતને જ ‘ધડક’માં લેવામાં આવ્યું છે. આ ઉપરાંત ફિલ્મમાં ઉદયપુરને સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે.

કમાણી

'ધડક' ફિલ્મે રિલીઝના પ્રથમ દિવસે જ રૂ. ૮.૭૧ કરોડની કમાણી કરી હતી. આ વિશે નિર્માતાઓનું કહેવું છે કે, ભારતમાં નવાં કલાકારોની હિન્દી ફિલ્મની આટલી જબરદસ્ત કમાણી એક રેકોર્ડ છે.


comments powered by Disqus