કાર્ડિફ સ્કૂલની ફ્રી બ્રેકફાસ્ટ ક્લબમાં પ્રવેશ મેળવવો અઘરોઃ વહેલી સવારથી પેરન્ટ્સની લાઈન

Saturday 28th July 2018 06:53 EDT
 
 

લંડનઃ ભારત હોય કે બ્રિટન, બાળકો માટે શાળાઓમાં પ્રવેશ મેળવવાની સમસ્યા માતાપિતા માટે એકસરખી જ રહે છે. ભારતની કેટલીક મોટી શાળાઓ બાળકો માટે નાસ્તાની સવલત આપે છે, જેનો સમાવેશ ફીમાં કરી લેવાય છે. આ તસવીર કાર્ડિફની પ્રાઈમરી સ્કૂલની છે, જ્યાં શાળા દ્વારા બ્રેકફાસ્ટ ક્લબ ચલાવાય છે અને બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આવી શાળાની બ્રેકફાસ્ટ ક્લબમાં પોતાના બાળકોને પ્રવેશ મળે તે માટે સંખ્યાબંધ પેરન્ટ્સ અહી વહેલી સવારથી લાઈન લગાવે છે. તેઓ પોતાની સાથે ફોલ્ડિંગ ચેર, વાંચવા માટે મેગેઝિન્સ અને સ્નેક્સ પણ લાવે છે, જેથી સમય પસાર કરી શકાય.

મહત્ત્વની બાબત એ છે કે કાર્ડિફના લેન્ડેરેન વિસ્તારની Ysgol y Berllan Deg' શાળાની બ્રેકફાસ્ટ ક્લબમાં માત્ર ૧૦૦ બાળકને બેસાડી શકાય છે અને વહેલા તે પહેલાના ધોરણે નાસ્તો અપાતો હોવાથી તેની ભારે ડિમાન્ડ રહે છે. મોટા ભાગે માતા અને પિતા બંને નોકરી કરતા હોય ત્યારે બાળકને સારો નાસ્તો બનાવી આપવાનું મુશ્કેલ બની રહે છે. એક નોકરિયાત મહિલા લિએન ટેલરના કહેવા અનુસાર તે બે વર્ષથી આ યોજનાનો લાભ લઈ રહી છે. તે વહેલી સવારના ૩.૩૦ વાગ્યાથી આવી લાઈનમાં બેસે છે. જો તેને બ્રેકફાસ્ટ ક્લબમાં સ્થાન ન મળે તો તેના માટે નોકરી ચાલુ રાખવું મુશ્કેલ બની જાય તેમ છે. વેલ્સ સરકાર દ્વારા ૨૦૦૪થી ફ્રી બ્રેકફાસ્ટ સ્કીમ શરુ કરાઈ હતી, જેનો હેતુ બાળકને દરરોજ સવારે શાળામાં મફત નાસ્તો મેળવવાની તક આપવાનો છે. કાર્ડિફ કાઉન્સિલના પ્રવક્તાના જણાવ્યા મુજબ આ બ્રેકફાસ્ટ ક્લબમાં દર વર્ષે થોડી બેઠક વધારવામાં આવે છે અને તેની સેવાની સતત સમીક્ષા પણ કરવામાં આવે છે. જોકે, કમનસીબી એટલી જ છે કે સ્ટાફ અને જગ્યાની મર્યાદાને ધ્યાનમાં લેતાં સ્કૂલ દરેક અરજદાર પેરન્ટ્સના બાળક માટે જગ્યા ફાળવી શકતી નથી


comments powered by Disqus