કોલસેન્ટર કૌભાંડમાં ૨૧ ભારતીયને જેલ

Wednesday 25th July 2018 06:48 EDT
 
 

ન્યૂ યોર્કઃ અમદાવાદ-મુંબઈમાં કોલ સેન્ટર ઉભા કરીને હજારો અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરવાના કૌભાંડમાં અમેરિકન ઓથોરિટીએ ૨૧ ઇમિગ્રન્ટ ભારતીયોને ૪થી ૨૦ વર્ષ સુધી કેદની સજા સંભળાવી છે. દોષિતોમાં મોટા ભાગના ગુજરાતીઓ છે. આ કોલ સેન્ટરો મારફત આરોપીઓએ મુખ્યત્વે વૃદ્ધો અને અમેરિકામાં નવાસવા આવેલા ઈમિગ્રન્ટ્સને ટાર્ગેટ કરીને ધરપકડ, દેશનિકાલ, જેલ અને દંડની ધમકી આપીને તેમની પાસેથી કરોડો ડોલર પડાવ્યા હતા.
એક અહેવાલ મુજબ આરોપીઓએ અંદાજે ૧૮ લાખ અમેરિકન નાગરિકો પાસેથી રોજના ૧ કરોડ રૂપિયા લેખે અંદાજે ૧૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ દોષિતોને સજા પૂરી થયા બાદ ભારત પરત મોકલી દેવાશે. આ બધા જ આરોપીઓ ભારતીય છે અથવા તો ભારતીય મૂળના છે અને તેઓ અમદાવાદ અને થાણેના કોલ સેન્ટરો સાથે સંકળાયેલા છે. ટેક્સાસની ફેડરલ કોર્ટે શુક્રવારે પાંચ આરોપીઓને સજા ફરમાવી છે. આ સાથે સપ્તાહમાં યુએસ ઓથોરિટીએ કુલ ૨૧ આરોપીઓને સજા કરી છે.
 આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૨૪ ભારતીયોને સજા કરવામાં આવી છે. અમેરિકન ઇતિહાસમાં સંભવત: એક જ કેસમાં ભારતીય અથવા ભારતીય મૂળના આટલા બધા લોકોની ધરપકડનો આ સૌપ્રથમ કિસ્સો હશે.
આરોપીઓને સજા ફરમાતાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ કેસમાં ભારતસ્થિત ૩૨ કાવતરાખોરોનાં પણ નામ સમાવાયાં છે. જોકે તેઓ હજી ભારતમાં જ હોવાથી તેમના પર આરોપ ઘડવામાં આવ્યા નથી. આ ઉપરાંત કેસમાં અમદાવાદસ્થિત પાંચ કોલ સેન્ટરો પણ સંડોવાયેલાં હતાં.
ભારતીય તંત્રે પણ યુએસ અધિકારીઓને સહયોગ આપતાં આ કૌભાંડમાં સામેલ બધાં જ કોલ સેન્ટરો પર દરોડા પાડીને તે બંધ કરાવી દીધાં છે. આ કૌભાંડના મુખ્ય કાવતરાખોર સાગર 'શેગી' ઠક્કરની મુંબઈ પોલીસે એપ્રિલ ૨૦૧૭માં ધરપકડ કરી હતી. તે કથિત રીતે હાર્દિક પટેલના સંપર્કમાં હતો, જે આ કોલ સેન્ટરોના સહ-માલિકોમાંનો એક હતો. હાર્દિક પટેલને યુએસ કોર્ટે ૧૫ વર્ષથી વધુની સજા કરી છે.

કોને કોને સજા થઈ?

સની જોશી, મિતેશકુમાર પટેલ, ફહદ અલી, જગદીશકુમાર ચૌધરી, દિલીપ આર. પટેલ, વિરાજ પટેલ, હર્ષ પટેલ, રાજેશ ભટ્ટ અને ભાવેશ પટેલ, જેરી નોરીસ, નિસર્ગ પટેલ, મોન્ટુ બારોટ, પ્રફૂલ પટેલ, દિલીપ એ. પટેલ, નીલેશ પંડ્યા અને રાજેશકુમાર, હાર્દિક પટેલ, રાજુભાઈ પટેલ, અશ્વિનભાઈ ચૌધરી, ભરતકુમાર પટેલ અને નીલમ પરીખ.

કૌભાંડ કેવી રીતે આચરાયું?

આ કૌભાંડીઓ વૃદ્ધો તેમજ તાજેતરમાં અમેરિકામાં સ્થાયી થયા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતા હતા. અમદાવાદ-થાણે સ્થિત કોલ સેન્ટરમાંથી કોલ કરનાર ગઠિયા પોતાને યુએસ ટેક્સ વિભાગ અથવા ઈમિગ્રન્ટ્સ વિભાગના અધિકારી ગણાવી તેમને કથિત સરકારી દેવું નહીં ચૂકવવા બદલ ધરપકડ, કેદ, દંડ અથવા દેશનિકાલની ધમકી આપતા હતા. આ સજાથી બચવા માટે તેમને તાત્કાલિક પ્રી-પેઈડ વેલ્યુ કાર્ડ અથવા વાયર મની મારફત વન-ટાઈમ સેટલમેન્ટ પેટે નાણાં ચૂકવવાનું જણાવતા હતા. મોટા ભાગના લોકો ગભરાઈને નાણાં ચૂકવવા સંમત થઈ જતા હતા.

હવે શેગી ઠાકરનો વારો?

કરોડો ડોલરના કોલસેન્ટર કૌભાંડમાં ૨૧ ભારતીયોને ૨૦ વર્ષની કેદ થઈ છે, જેનું પગેરું અમદાવાદમાં પહોંચે છે. આ કેસમાં અમેરિકન કોર્ટે જેને ૧૫ વર્ષ કેદની સજા ફટકારી છે તે હાર્દિક પટેલ અમદાવાદના સાગર ઉર્ફે શેગી ઠાકરનો ખાસ સાગરિત છે. હાલ જામીન પર મુક્ત સાગર ઉર્ફે શેગી ઠાકરને આગામી દિવસોમાં અમેરિકાની ગુપ્તચર સંસ્થા એફબીઆઈ તપાસ માટે લઈ જશે તેવી શક્યતા છે. થાણે પોલીસે વર્ષ ૨૦૧૬માં પકડી પાડેલા કોલ સેન્ટરમાં અમદાવાદના સાગર ઉર્ફે શેગી ઠાકરનું નામ ખૂલ્યું હતું. તપાસ દરમિયાન મળેલી માહિતી અંગે ભારત સરકાર અને યુએસની ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન ટીમ (એફબીઆઈ)ને જાણ કરવામાં આવી હતી. જોકે આમ છતાં સાગર ઉર્ફે શેગી ઠાકર પોલીસની કથિત મહેરબાનીથી દુબઈ નાસી ગયો હતો. બાદમાં પોલીસના કેટલાક અધિકારીઓ સાથે ગોઠવણ થઈ જતાં તે નાટકીય રીતે હાજર થઈ ગયો હતો. થાણે પોલીસે સાગર ઉર્ફે શેગી સામે ચાર્જશીટ ફાઇલ કરતા તેના જામીન મંજૂર થઈ ગયા હતા.

મેજિક જેકથી વાત કરતા

આરોપીઓ જે તે વ્યક્તિની માહિતીના આધારે મેજિક જેકના માધ્યમથી અમેરિકન વ્યક્તિના નામથી વાત કરવામાં આવતી હતી. આરોપીઓ એવી કમ્પ્યુટર સિસ્ટમનો ઉપયોગ કરતા હતા જેના થકી ભારતમાંથી જ ફોન કરવામાં આવે તો પણ તેમાં અમેરિકાથી જ ફોન થતો હોવાનું જણાઈ આવતું હોય છે. અમેરિકન વ્યક્તિના નામથી અને અમેરિકન જેવા જ ઉચ્ચારોમાં વાત કરીને સામેના છેડે રહેલી વ્યક્તિને ચીમકી આપવામાં આવતી હતી કે કરચોરીની રકમ ભરી દો અથવા તો આઈઆરએસ તમારી ધરપકડ કરશે. કેટલાક કિસ્સામાં તમને લોન આપવાની છે તેમ કહીને કાર્ડ સ્ક્રેચ કરવાનું કહીને તેના ૧૬ આંકડાનો નંબર મેળવીને ૫૦૦થી ૧૦૦૦ ડોલર ગુપચાવી લેતા હતા.

૧૦૦થી વધુ ગુજરાતી

અમેરિકામાં રહેતા નાગરિકો ફોર્મ ભરે તેમાં તમામ માહિતી લખતા હોય છે. આ માહિતીના ડેટા એકઠા કરીને ભારત મોકલવામાં આવતા હતા. આ ઉપરાંત કેટલીક બેન્કોના ચોરી કરેલા ડેટા અથવા હેંગ કરેલા ડેટા બારોબાર ભારત મોકલવામાં આવતો હતો. આ ડેટાને લીડ કહેવામાં આવે છે. આ લીડમાં કેટલી મહત્ત્વની અને વિગતવાર માહિતી છે તેના આધારે તેની કિંમત નક્કી થતી હોય છે. અમેરિકામાં મળતી લીડ ભારત મોકલવા માટે ૧૦૦થી વધુ ગુજરાતીઓ કામ કરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.


comments powered by Disqus