લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયની આવક એક વર્ષમાં ૧૦ લાખ પાઉન્ડ વધીને ૨ કરોડ પાઉન્ડ પર પહોંચી હોવાનું શાહી પરિવારના નવા હિસાબોમાં જણાવાયું હતું. તેમાં ક્વીનની સ્થાવર-જંગમ મિલકતોની વિગતો પણ અપાઈ છે.
મિલકતો, જમીનો અને ફોરશોરનો સંગ્રહ ૧૩૯૯થી ક્વીનની વ્યક્તિગત માલિકીની છે અને તેમાંથી વાર્ષિક ધોરણે આવક ઉભી થાય છે. ૨૦૧૭માં આ મિલકતોની બજારકિંમત ૨.૯ ટકાની વૃદ્ધિ સાથે ૫૩.૩૮ કરોડ પાઉન્ડે પહોંચી હતી. ક્વીનની આવકનો ૬૪ ટકા હિસ્સો વ્યાપારિક પ્રવૃત્તિ, ૧૮ ટકા ખેતી, ૧૦ ટકા નાણાંકીય પ્રવૃત્તિ અને ૮ ટકા રહેઠાણોનો છે. ક્વીનની માલિકી હેઠળની મિલકતોમાં બ્રિટનની ૮ કાઉન્ટી અને સાઉથ વેલ્સમાં હજારો એકર જમીન, સેન્ટ્રલ લંડનના સેવોય એસ્ટેટ સહિત સંખ્યાબંધ ઐતિહાસિક ઇમારતોનો સમાવેશ થાય છે. ક્વીન સંખ્યાબંધ ઇન્ડસ્ટ્રીયલ અને વેરહાઉસ પ્રોપર્ટીઝ પણ ધરાવે છે.

