બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામીએ ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુવાચક સંદેશામાં જણાવ્યું છે કે ગુરુ એ જીવ અને જગદીશ વચ્ચેનો સેતુ છે. ગુરુ વિના ભૌતિક માર્ગમાં પણ પ્રગતિ શક્ય ન હોય તો આધ્યાત્મિક માર્ગમાં તો કેવી રીતે શક્ય બને? ગુરુ સિવાય આધ્યાત્મિક માર્ગમાં એકડો પણ ઘૂંટી શકાતો નથી. હિંદુ ધર્મમાં વૈદિક સમયથી ગુરુનો મહિમા અપરંપાર કહેવાતો રહ્યો છે કારણ કે તેઓ જીવ અને જગદીશ વચ્ચેનો સેતુ છે. આધ્યાત્મિક ગુરુના લક્ષણો આપણા શાસ્ત્રમાં વર્ણવ્યા છે. એવા મહાપુરુષને શાસ્ત્રો ‘સ્થિતપ્રજ્ઞ’, ‘ગુણાતીત’, ‘પરમ ભાગવત’ ‘સંત’ વગેરે શબ્દોથી સંબોધે છે. ગુરુપૂર્ણિમા એટલે એવા મહાન ગુરુએ ચીંધેલા માર્ગે ચાલવાની દ્રઢતા કરવાનો અવસર, તેમને ભાવાંજલિ અર્પવાનો અને વંદન કરવાનો અવસર.

