નરેન્દ્ર મોદીનું સ્ટીમ રોલર

Tuesday 24th July 2018 15:07 EDT
 

ભારતીય સંસદના લોકસભા ગૃહમાં ૨૦ જુલાઈનો દિવસ અનેક રીતે ઐતિહાસિક અથવા અભૂતપૂર્વ બની રહ્યો હતો. નરેન્દ્ર મોદીની ચાર વર્ષની એનડીએ સરકાર વિરુદ્ધ કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી તેના વિશે ૧૨ કલાકની મેરેથોન ચર્ચા, આક્ષેપો અને પ્રતિઆક્ષેપો અને આખરે મતદાન કરવામાં આવ્યું અને અપેક્ષા મુજબ જ મોદી સરકારનો વિજય થયો. ગૃહમાં ૪૫૧ સાંસદોની હાજરી સાથે મોદી સરકારની તરફેણમાં ૩૨૫ અને વિપક્ષની તરફેણમાં ૧૨૬ મત પડતા અવિશ્વાસ પ્રસ્તાવનો વીંટો વળી ગયો હતો.
જોકે, બંને પક્ષોએ પોતાની તરફેણમાં તેનો ઉપયોગ કરવાની તક ઝડપી લીધી હતી. નરેન્દ્ર મોદીનું સ્ટીમ રોલર જાણે વિપક્ષી એકતા પર ફરી વળ્યું હોય તેવો નજારો સર્જાયો હતો. વિપક્ષો ગાજ્યા એટલા વરસ્યા નહિ તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની નેતાગીરી હેઠળના ભાજપ અને એનડીએને ધોબીપછાડ આપવા મહાગઠબંધનની સ્થાપનાના ઓરતા જાણે મનમાં જ રહી જતાં હોય તેમ લાગ્યું હતું. આ સંદર્ભે વડા પ્રધાન મોદીએ ચર્ચાનો ઉત્તર વાળવાની શરૂઆતમાં જ કોંગ્રેસ અને વિરોધ પક્ષોની હાલત સ્પષ્ટ કરતા એક શેર પણ વાંચ્યો હતો હતો. ‘ન માંઝી, ન રાહબર, ન હક મે હવાએ, હૈ કશ્તી ભી જર્જર, યે કેસા સફર હૈ?’ નરેન્દ્ર મોદીએ જોરદાર ટોણો મારતા એમ પણ કહ્યું હતું કે વિરોધ પક્ષોને ૨૦૨૪માં પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તક મળશે.
સંસદમાં ‘હગ ડિપ્લોમસી’ અને ‘અંખિયા મિલા કે’નો નવો અધ્યાય જોવા મળ્યો, જેનો આરંભ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના હસ્તે થયો હતો. રાહુલ ગાંધીએ વડા પ્રધાન મોદીને તેમની બેઠક પર જઈને જે રીતે ‘જાદુની ઝપ્પી’ આપી તેનાથી સમગ્ર ગૃહ અને દેશ અચંબિત અને અવાચક બની ગયો હતો. સંસદના ગૃહમાં આ નવા પ્રકારની રાજનીતિથી લોકસભા સદનની ગરિમા જળવાઈ નહિ તેવું દુઃખ પણ સ્પીકર શ્રીમતિ સુમિત્રા મહાજને વ્યક્ત કરવું પડ્યું તે કોંગ્રેસ અને તેના અધ્યક્ષની હરકતો વિશે ઘણું કહી જાય છે.
અવિશ્વાસની દરખાસ્ત સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીના ડ્રેસ રિહર્સલ જેવી જ હતી. તાજેતરની વિધાનસભાઓની અને લોકસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપ- એનડીએને ધારી સફળતા ન મળવી, માયાવતીના બહુજન સમાજ પક્ષ અને અખિલેશ યાદવના સમાજવાદી પક્ષના વિપક્ષી ગઠબંધનને ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીઓમાં અણધારી સફળતા, એનડીએમાં શિવસેના અને તેલુગુ દેશમ જેવા સાથી પક્ષોની નારાજગી સહિતના મુદ્દા ભાજપ અને નરેન્દ્ર મોદી માટે ચિંતાની બાબત હતા, જ્યારે કોંગ્રેસ-યુપીએ અને વિરોધ પક્ષો માટે હતાશાથી બહાર આવવાના એંધાણ હતા. નોંધપાત્ર બાબત તો એ રહી હતી કે આંધ્ર પ્રદેશને વિશેષ પેકેજ નહિ આપવાના મુદ્દે ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટીએ ભાજપ સાથે છેડો ફાડી લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ અવિશ્વાસ દરખાસ્ત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અન્ય નોંધપાત્ર બાબત એ રહી કે ભાજપના સાથી પક્ષ શિવસેના (૧૮ સભ્ય) ચર્ચા અને મતદાનથી અળગો રહ્યો હતો, જ્યારે વિપક્ષ બીજુ જનતા દળ (૧૯) અને તેલંગણા રાષ્ટ્રીય પાર્ટી (૧૧ સભ્ય)એ ચર્ચાનો બહિષ્કાર જ કર્યો હતો.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચર્ચા દરમિયાન ભારે આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો. તેમણે ૫૮ મિનિટના સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, એનડીએ સરકાર, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર આકરા પ્રહાર કરવા સાથે નોટબંધી, મોંઘવારી, ફ્રાંસ સાથે રાફેલ લડાયક વિમાનોના સોદામાં ભ્રષ્ટાચાર, ચીન સાથેનો ડોકાલા વિવાદ, બેરોજગારી, જીએસટી, દલિતો અને લઘુમતીઓ સાથે વ્યવહાર, મોબ લિન્ચિંગ સહિતના વિષયો આવરી લીધા હતા. તેમણે અમીરો અને ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠ ધરાવતા વડા પ્રધાન મોદી પોતાની આંખમાં આંખ મેળવી શકે તેમ ન હોવાનો પણ ઉલ્લેખ કરી લીધો હતો. મોદી અને અમિત શાહનો ભાજપ સત્તા ગુમાવવા માગતો ન હોવાના આક્ષેપો પણ તેમણે કર્યા. આ સાથે પોતાને હિંદુત્વ, શિવભક્તિનું જ્ઞાન આપવા બદલ મોદી અને સંઘનો આભાર માની લીધો હતો. તેમનો સૌથી ચર્ચાસ્પદ વ્યવહાર વડા પ્રધાન મોદીને ગળે ભેટવાનો રહ્યો. આ વખતે તેમણે મોદીને એમ પણ કહ્યું કે તમે ભલે મને પપ્પુ કહીને નફરત કરો પણ હું સાચા હિન્દુ તરીકે તમે ગળે લગાવીશ. ખુદ મોદીને પણ આમ થઈ શકે તેનો અંદાજ ન હતો. તેઓ પણ રાહુલના આવા અણપ્રીછ્યા વ્યવહારથી ચોંકી ગયા હોય તેમ સ્પષ્ટ દેખાતું હતું. આ પછી, રાહુલ ગાંધીએ પોતાની બેઠક પર જઈને કોંગ્રેસના જ એક સાંસદ સામે જોઈને આંખ મારી હતી. આ સમગ્ર ઉપક્રમે ટેલિવિઝનના જીવંત પ્રસારણ અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. સમગ્ર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ આક્રમકતા દર્શાવી જાણે બાજી મારી લીધી હોય તેવો માહોલ સર્જાયો હતો, પરંતુ મોદીને ભેટવાના તેમજ ગૃહમાં આ રીતે ‘આંખ મારવા’ના પ્રકરણથી તેમની બાલિશતા પણ દેખાઈ આવી છે.
જોકે, નરેન્દ્ર મોદી કોઈ પણ આફતને અવસરમાં પલટાવી દેવામાં માહિર ગણાય છે. પોતે ઉભા થશે તો મોદી ૧૫ મિનિટ પણ ઉભા નહિ રહી શકે તેવા રાહુલ ગાંધીના હુંકાર સામે વડા પ્રધાન મોદીએ રાહુલની ૫૦ મિનિટ સામે ૯૦ મિનિટ ઉભા રહીને ચાબખા ફટકાર્યા હતા. મોદીએ પોતાને જનતાના ચોકીદાર અને દુઃખીઓના ભાગીદાર હોવાનું જણાવી પોતે કોંગ્રેસની જેમ સોદાગર કે ઠેકેદાર ન હોવાનો ફટકો પણ માર્યો હતો. તેમણે અવિશ્વાસની દરખાસ્તનો ઉપયોગ બેન્કોની એનપીએ, ખેડૂતોની દુર્દશા જેવી સમસ્યાઓ માટે અગાઉની કોંગ્રેસ સરકારોએ કશું જ કામગીરી કરી ન હોવાનું જણાવવા સાથે પોતાની સરકારની સિદ્ધિઓનું વર્ણન કરવામાં કર્યો અને સાથોસાથ કોંગ્રેસ પક્ષને જ ખુદમાં અવિશ્વાસ હોવાનું સિદ્ધ કર્યું હતું. ભારતમાં યુવાનો દ્વારા ૧૦,૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ્સ અને ખેડૂતો માટે ટેકાના ભાવ, જનધન યોજના સહિતની સિદ્ધિઓ તેમણે આવરી લીધી હતી. આ સાથે ભારતીય સેના દ્વારા સર્જિકલ સ્ટ્રાઈક તથા સેનાધ્યક્ષ વિશે અપમાનજનક ભાષાના ઉપયોગ સંદર્ભે મોદીએ કોંગ્રેસ પાર્ટીને આડા હાથે પણ લીધી હતી.
રાહુલની ભેટવાની અને આંખ મારવાની હરકતોને ‘બચકાના’ અને ‘બેજવાબદાર’ ગણાવી બાજી ફેરવી નાંખી. રાહુલના આંખમાં આંખ મેળવવાના મુદ્દાને લઈ તેમણે ગાંધી પરિવારને નામદાર ગણાવી પોતે તો કામદાર હોવાનું જણાવ્યું હતુ. કામદાર કેવી રીતે નામદારની આંખમાં આંખ મેળવી શકે તેવો પ્રશ્ન પણ કર્યો હતો. નામદાર ગાંધી પરિવારની આંખમાં આંખ મેળવવાનો પ્રયાસ કરનારા પૂર્વ વડા પ્રધાનો મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ, ચંદ્રશેખર અને દેવે ગૌડા, તેમજ પ્રણવ મુખરજી, મુલાયમ સિંહ યાદવ અને શરદ પવાર જેવા દિગ્ગજ નેતાઓની શું હાલત થઈ હતી તેનો ઉલ્લેખ કરી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસના અહંકારી ફુગ્ગામાં ટાંકણી ખોસી હવા જ કાઢી નાખી છે.
લોકસભાએ અત્યાર સુધી ૨૭ અવિશ્વાસ પ્રસ્તાવ જોયા છે. સૌપહેલી અવિશ્વાસ દરખાસ્ત જવાહરલાલ નહેરુ સરકાર વિરુદ્ધ ૧૯૬૩માં આવ્યો હતો. છેલ્લે ૧૫ વર્ષ અગાઉ ૨૦૦૩માં સોનિયા ગાંધીએ વડા પ્રધાન વાજપેયી વિરુદ્ધ નો-કોન્ફિડન્સ મોશન રજૂ કરી હતી. આ ઉપરાંત, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી (૧૫), લાલ બહાદુર શાસ્ત્રી અને નરસિંહ રાવ (૩-૩), મોરારજી દેસાઈ (૨), રાજીવ ગાંધી (૧) વિરુદ્ધ પણ અવિશ્વાસ દરખાસ્ત આવી ચૂકી છે.


comments powered by Disqus