બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ, છ દિવસ એટલે કે તા.૨૧ જુલાઈ સુધી પૂ. મહંત સ્વામીએ આણંદમાં વિચરણ કર્યું હતું. વિચરણ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં પૂ. આત્મસ્વરૂપ સ્વામી અને પૂ.નારાયણચરણ સ્વામીએ ‘પ્રગટ ચરિત્રામૃત’ પારાયણ દ્વારા હરિભક્તોને કથાનો લાભ આપ્યો હતો. દરરોજ સાંજે ૫થી ૮ દરમિયાન બાળકો અને યુવકો દ્વારા મનમોહક નૃત્યો અને રસપ્રદ સંવાદો રજૂ કરવામાં આવ્યા હતા. તેમણે ‘મનિયો’, ‘જડીબુટ્ટી’, ‘આખરી ચુકાદો’ જેવા સંવાદો રજૂ કર્યા હતા.
પૂ. મહંત સ્વામીએ દરરોજ સવારે અને સાંજે હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. તા.૨૦ જુલાઈએ ‘ઈતિ વચનામૃતમ’ પ્રશ્રોત્તરી પણ યોજાઈ હતી.બાદ પૂ. મહંત સ્વામી ૨૧મી જુલાઈએ બોચાસણ પહોંચ્યા હતા. તે સમયે મંદિરમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો અને સંતોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. બોચાસણમાં તેઓ બાળ, કિશોર તેમજ યુવક-યુવતી અને પુરુષો-મહિલાઓની સભાઓમાં ઉપસ્થિત રહીને સૌને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામીએ સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી હતી. બોચાસણમાં વિચરણ દરમિયાન શુક્રવારને તા.૨૭મીએ ગુરુપૂર્ણિમા પર્વની વિશેષ ઉજવણી બાદ પૂ. મહંત સ્વામી શનિવારને તા.૨૮ જુલાઈએ ગોધરા જશે.

