લંડનઃ ભારતમાં જન્મેલી બિઝનેસવુમન બેરોનેસ રુબી મેકગ્રેગોર-સ્મિથે લંડનના મેયરપદની ૨૦૨૦ની આગામી ચૂંટણીમાં વર્તમાન મેયર સાદિક ખાન વિરુદ્ધ કન્ઝર્વેટિવ ઉમેદવાર બનવાના જંગમાં ઝંપલાવ્યું છે. FTSE-250 કંપનીની પ્રથમ એશિયન સંચાલક તરીકે ઈતિહાસ સર્જાનારાં ૫૫ વર્ષીય બેરોનેસે જણાવ્યું હતું કે,‘આપણા નગર સામેના પડકારો પર જ ધ્યાન કેન્દ્રિત કરે તેવા મેયરની જરૂર છે.’
લંડનના મેયરપદની સ્પર્ધામાં સંભવિત ઉમેદવાર તરીકે વરિષ્ઠ મહિલાએ ઝંપલાવ્યું હોવાથી કન્ઝર્વેટિવ પાર્ટીને ભારે પ્રોત્સાહન સાંપડશે. સત્તાવાર ઉમેદવાર બનવા આશરે ૧૦ વ્યક્તિ મેદાનમાં છે ત્યારે ટોરી પાર્ટી પાસે બે મહિલા અને ચાર BAME ઉમેદવાર છે.
બેરોનેસ મેકગ્રેગોર-સ્મિથનો જન્મ ભારતમાં થયો હતો અને બે વર્ષની વયે તેઓ માતા સાથે લંડન આવ્યાં હતાં, જ્યાં તેમના પિતાએ એક વર્ષ અગાઉ એકાઉન્ટન્ટ તરીકે તાલીમ મેળવી હતી. કિંગ્સ્ટન યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ વિષયમાં સ્નાતક બન્યાં પછી તેઓ બિઝનેસમાં જોડાયાં અને નવ વર્ષ સુધી મિટી ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ હતાં. તેમને ૨૦૦૯માં બિઝનેસમાં FT ની ટોપ ૫૦ મહિલામાં એક તરીકે સન્માન અપાયું હતું અને ૨૦૧૫માં ઉમરાવપદ અપાયું હતું.
બેરોનેસે જણાવ્યું હતું કે, આપણી સુંદર રાજધાની અને દેશે મને તમામ વસ્તુ આપી છે અને હવે હું ઋણ વાળવાં ઈચ્છું છું.’ લેબર મેયર સાદિક ખાન રાષ્ટ્રીય નેતાગીરીમાં કૂદકો મારવા સિટી હોલનો ઉપયોગ કરી રહ્યા છે તેવા ટોરી પાર્ટીના દાવા મધ્યે બેરોનેસે મેયરની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે,‘આપણા શહેરના લોકોને આ સૌથી મહત્ત્વના પદનો અન્ય બાબતો માટે સ્પ્રિંગબોર્ડ તરીકે ઉપયોગ કરનારા વ્યક્તિ કરતાં વધુ સારી વ્યક્તિની જરૂર છે.’
લેડી મેકગ્રેગોરે નિર્દેશ આપ્યો હતો કે જો તેઓ મેયરપદની સ્પર્ધામાં જીતશે તો તેમની પ્રાથમિકતામાં હાઉસિંગ અને નાઈફ ક્રાઈમ અગ્રક્રમે રહેશે. મેયરપદના ટોરી ઉમેદવાર તરીકે પસંદગી પામવા એસેમ્બલી મેમ્બર શોન બેઈલી, એન્ટિ નાઈફ ક્રાઈમ કેમ્પેઈનર ડ્વાઈન બ્રૂક્સ, પૂર્વ સલાહકાર કુલવીર રેન્જર, ટાયકૂન રિચાર્ડ ટાઈસ, કાઉન્સિલર જોય મોરિસ્સે અને જમણેરી સાંસદ એન્ડ્રયુ રોસિન્ડેલ સ્પર્ધામાં છે.

