મૃતકના ફેસબુક ડેટા પર કોનો અધિકાર?

Thursday 26th July 2018 07:43 EDT
 
 

કાર્લ્સરૂહે (જર્મની)ઃ વ્યક્તિનાં મૃત્યુ પછી તેના ફેસબુક એકાઉન્ટ પર કોનો અધિકાર ગણાય? અત્યાર સુધી લગભગ વણઉકેલ રહેલા આ પ્રશ્નનો જવાબ જર્મનીની સુપ્રીમ કોર્ટે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપતાં સ્થિતિ સ્પષ્ટ કરી છે. જર્મનીના શહેર કાર્લ્સરૂહેમાં દેશની સર્વોચ્ચ સંઘીય અદાલતે ચુકાદો આપતાં કહ્યું હતું કે, મૃતકના ફેસબુકનો ડેટાનો અધિકાર તેના પરિવારને મળવો જોઈએ. કોર્ટે કહ્યું કે, વારસાનો અધિકાર અને ડેટાપ્રાઇવસી પહેલાં આવે છે.
વાસ્તવમાં આ મામલો ૧૫ વર્ષની એક ટીનેજરનાં મૃત્યુ પછી કોર્ટમાં પહોંચ્યો હતો. ટીનેજરનું મૃત્યુ ૨૦૧૨માં ટ્રેન સાથે ટકરાવાથી થયું હતું. મૃતકનાં માતાપિતાએ આ પછી ફેસબુકને તેની પુત્રીનો ડેટા આપવાની માગણી કરી હતી. પરિવાર એ જાણવા માગતો હતો કે તેની પુત્રીનું મૃત્યુ કેવી રીતે થયું છે? તે કોઈ અકસ્માત છે કે પછી આત્મહત્યા છે? મોતનું સાચું કારણ જાણ્યા વિના ટ્રેનડ્રાઇવરને પણ વળતર મળવામાં અવરોધ સર્જાયો હતો. ફેસબુક દ્વારા આ કેસમાં ડેટા એક્સેસનો અધિકાર આપવા ઇનકાર કરાયો હતો. આ પછી ૨૦૧૫માં પરિવાર નીચલી કોર્ટમાં ગયો હતો, જ્યાં પરિવારની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. કોર્ટનું તારણ હતું કે, અંગત વાતચીતનો ફેસબુક ડેટા વારસા સંબંધી કાયદા હેઠળ આવે છે. કોર્ટે કહ્યું કે સગીરોના કિસ્સામાં અરજદારોને તેમના પોતાનાં સંતાનની કોમ્યુનિકેશન હિસ્ટ્રી જાણવાનો અધિકાર છે.
આ ચુકાદાને ફેસબુકે ઊપલી કોર્ટમાં પડકાર્યો હતો. ફેસબુકે કહ્યું કે કોઈ વ્યક્તિના ડેટાની પ્રાઇવસીનો અધિકાર તેનાં મૃત્યુ પછી પણ ફેસબુક પાસે સુરક્ષિત રહે છે. આ તો જર્મનીનાં બંધારણે આપેલો અધિકાર છે. ફેસબુક કંપનીએ જણાવ્યું હતું કે પરિજનોને મૃતકનું ફેસબુક પ્રોફાઇલ ડિલીટ કરવાનો અધિકાર છે, પણ ડેટા એક્સેસનો એટલે કે ડેટા મેળવવાનો અધિકાર નથી.
આ પછી ૨૦૧૭માં અપીલ કોર્ટે ફેસબુકની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. બાદમાં કાનૂની જંગ સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું છે કે, ફેસબુકે મૃતકના પરિજનોને ડેટા આપવો જ પડશે. ફેસબુકનો ડેટા પણ વારસાને લગતા કાયદા હેઠળ આવે છે.
કોર્ટે કહ્યું હતું કે, જે રીતે પરિજનોને મૃતકનાં પુસ્તકો અને તેના પત્રો મેળવવાનો અધિકાર મળે છે તેવી રીતે ડેટાનો અધિકાર પણ મળવો જોઈએ. ફેસબુકના વકીલે હવે આ ચુકાદો સ્વીકારી લીધો છે અને તેની સામે અપીલની શક્યતા નકારી છે.


comments powered by Disqus