અવેક્સ સ્ટુડિયોના ફાઉન્ડર આશકા પટેલની આ કહાની છે. તેઓ યૂટયૂબમાં જોઈને કેન્ડલ બનાવતા શીખ્યાં હતાં અને આજે તેમની કંપની લાખોની કમાણી કરે છે. જોકે કેન્ડલ બનાવતા શીખવું આપણે માનીએ એટલું સરળ નથી. આશકા કહે છે કે મેં જયારે શીખવાની શરૂઆત કરી ત્યારે એક કેન્ડલ બનાવતા ૬ કલાક જેટલો લાંબો સમય જતો હતો. જોકે મેં ધીરજ ગુમાવી નહીં પરિણામે ટૂંકાગાળામાં સફળ બિઝનેસ વુમન બની શકી.
દીકરાના જન્મ સાથે બિઝનેસનો પ્રારંભ
આશકા માતા બની તે પહેલાં નોકરી કરતી હતી. જોકે માતા બન્યા બાળકના ઉછેરની જવાબદારીના કારણે ઘરે રહેવાનું થયું અને આશકાએ ઘરેથી કોઈ વ્યવસાય શરૂ કર્યો. કુટુંબના એક લગ્નપ્રસંગથી તેના બિઝનેસની શરૂઆત થઈ. તે કહે છે કે વર્ષ ૨૦૧૨માં નક્કી કર્યું કે કેન્ડલ બનાવી તેનું વેચાણ કરવું. દોઢ મહિનાના પરિશ્રમ પછી હું કેન્ડલ બનાવતા શીખી ગઈ હતી. આ સમયગાળામાં જ અમારા કુટુંબમાં એક લગ્નપ્રસંગ આવતો હતો. મને આ લગ્નપ્રસંગે ડેકોરેશનમાં કેન્ડલ બનાવવાનો મોકો મળ્યો. મને આજે પણ યાદ છે કે મેં પહેલીવાર ૧૪૦ કેન્ડલ્સ બનાવી હતી જેને જોઈને બધાએ વખાણ કરેલા.
તે દિવસથી લઈ આજના દિવસ સુધી મેં કયારેય પાછું વળીને જોયું નથી. મેં અવેક્સ સ્ટુડિયો નામ આપી મારા વ્યવસાયને આગળ વધાર્યો છે.
આશરે વાર્ષિક રૂ. પાંચ લાખનું ટર્નઓવર
મારી સફળતા પાછળનું મુખ્ય કારણ મારા કામમાં દર વખતે જોવા મળતું નાવીન્ય છે. હું થિમેટીક કેન્ડલ બનાવું છું જેથી ગ્રાહકોને મારું કામ વધારે પસંદ પડે છે. મારી કંપનીનું વાર્ષિક ટર્નઓવર રૂ. પાંચ લાખ રહે છે.

