રેસ્ટોરાંમાં લોકો સંગીતના આધારે ઓર્ડર આપે છે

Wednesday 25th July 2018 07:08 EDT
 
 

વોશિંગ્ટનઃ તમે કોઇ રેસ્ટોરાંમાં જાઓ અને ઓછી કેલરી ધરાવતાં સલાડને બદલે તમને ચીઝબર્ગરનો ઓર્ડર આપવાની ઇચ્છા થાય તો તેનું કારણ તમારી ઇચ્છા નહીં પરંતુ ત્યાં વાગતું સંગીત હોઈ શકે છે.
રેસ્ટોરાં અને હોટેલમાં ગ્રાહકો વધુ ખર્ચ કરે અને મોંઘી વાનગીનો ઓર્ડર આપવા પ્રેરાય તે માટે ઘોંઘાટિયું સંગીત વગાડવાનો કીમિયો અજમાવવામાં આવે છે. સંગીતથી સાંજે તમે હળવા મૂડમાં રહો એટલું જ પૂરતું નથી. તમે કઈ વાનગીનો ઓર્ડર આપો છો તેને પણ સંગીત અસર કરે છે. જ્યારે ઘોંઘાટિયું સંગીત વાગતું હોય ત્યારે ગ્રાહકો બિનતંદુરસ્ત ભોજન કે વાનગીઓ જેમ કે ચીઝબર્ગર ખાવા પ્રેરાય છે અને જો હળવું સંગીત વાગતું હોય તો ગ્રાહક તંદુરસ્ત આહાર ખાવા પ્રેરાય છે તેવું તાજેતરનાં સંશોધનમાં જાણવા મળ્યું છે.
હૃદયના ધબકારા - ઉત્તેજનાને સીધી અસર
સંગીતનો ટેમ્પો વ્યક્તિના મૂડ અને ઉત્તેજનાને અસર કરે છે. ઝડપથી અને મોટેથી વાગતું સંગીત તમારા હૃદયના ધબકારાને ઝડપી બનાવે છે અને હળવું સંગીત તમને આરામ અને હળવા મૂડમાં રાખે છે.
સાઉથ ફ્લોરિડા યુનિવર્સિટીના દીપાયન બિશ્વાસે સંગીત માનવીની જિંદગી પર કેવી અસરો જન્માવે છે તેનો અભ્યાસ કર્યો છે. સંગીતની ઝડપ માનવીની વર્તણૂક પર કેવી અસર કરે છે તેનું તારણ તેમણે કાઢયું છે.
બિશ્વાસે જણાવ્યું હતું કે સંગીતનો અવાજ હૃદયના ધબકારા અને ઉત્તેજનાને સીધી અસર કરે છે. જોરથી અને ઝડપથી વાગતું સંગીત વ્યક્તિમાં તણાવ સર્જે છે અને ચીઝબર્ગર તેમજ ફ્રાઇડ વાનગી ખાવા પ્રેરે છે જ્યારે હળવું સંગીત વ્યક્તિને શાંત બનાવે છે અને વ્યક્તિ શું ખાવું તેનો વિચારીને ઓર્ડર આપે છે. લોકોની ખરીદવાની પદ્ધતિમાં પણ સંગીતનો આવી રીતે પ્રભાવ પડી શકે છે. ગ્રાહકોને વધુ વસ્તુ ખરીદવા રેસ્ટોરાં - સુપર માર્કેટમાં સંગીતનો ઉપયોગ કરાય છે.
સંશોધન કરવા માટે બિશ્વાસે સ્ટોકહોમના કાફેમાં કેટલાક પ્રયોગો કર્યા હતા, જેમાં વિવિધ પ્રકારના સંગીતનો ઉપયોગ કરાયો હતો. રેસ્ટોરાંમાં વાનગીને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરાઈ હતી, જેમાં હેલ્ધી, નોનહેલ્ધી અને ન્યૂટ્રલ એમ ત્રણ વિભાગો પાડવામાં આવ્યા હતા.
કેટલાક દિવસો સુધી સંગીતનો અવાજ અને લોકોની ઓર્ડર આપવાની પદ્ધતિનો અભ્યાસ કરાયો હતો. જ્યારે અવાજ ભારે અને મોટો હતો ત્યારે ૨૦ ટકા લોકોએ અનહેલ્ધી વાનગીનો ઓર્ડર આપ્યો હતો.


comments powered by Disqus