લંડનઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સ્થાપક સી.વી રામક્રિષ્નનના પરિવારે લંડનની પ્રતિષ્ઠિત રોયલ સોસાયટીમાં નવો વિક્રમ રચ્યો છે. તેમના પુત્ર વેંકટરામન રામક્રિષ્ણન રોયલ સોસાયટીમાં પ્રેસિડેન્ટ છે અને પુત્રી લલિતા રામક્રિષ્ણનને ગત ૨૦ જુલાઈએ ભાઈ અને માતાપિતાની હાજરીમાં રોયલ સોસાયટીની ફેલોશિપ મળી હતી. રોયલ સોસાયટીમાં બહેનને સ્થાન મળ્યું હોય અને તેનો ભાઈ તે સમારંભના પ્રમુખપદે હોય અને તેમના માતા-પિતા પણ ત્યાં જ હાજર રહીને આ અદભૂત પળનો આનંદ માણતા હોય તેવો કોઈ કિસ્સો રોયલ સોસાયટીના ઈતિહાસમાં અગાઉ નોંધાયો નથી.
સી.વી.રામક્રિષ્ણને પત્ની રાજલક્ષ્મી સાથે મદ્રાસથી વડોદરા આવીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વર્ષ ૧૯૫૫માં બાયોકેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું હતું.
૬૬ વર્ષીય પુત્ર વેંકટરામન, વેંકીને વર્ષ ૨૦૦૯માં રીબોઝોમલ સ્ટ્રક્ચર માટે નોબલ પ્રાઇઝ મળ્યું હતું. ૨૦૧૨માં ક્વીન એલિઝાબેથ દ્વિતીયના હસ્તે નાઇટનો ખિતાબ મેળવ્યો હતો અને તેઓ હાલ રોયલ સોસાયટીના પ્રેસીડેન્ટ છે. વેંકટરામન અને લલિતા બન્ને વડોદરામાં ભણેલા છે.
કેમ્બ્રીજ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસીનમાં પ્રોફેસર ઓફ ઈમ્યુનોલોજી તરીકે ફરજ બજાવતા લલિતાએ ટીબી વિશે અન્યોને માર્ગ ચીંધનારું કાર્ય કર્યું છે. વધુ અભ્યાસ માટે અમેરિકા જતા પહેલા લલિતાએ ભારતમાં તેમની તબીબી કારકિર્દી શરૂ કરી હતી. તેમણે ઈમ્યુનોલોજીમાં પીએચડી કર્યું હતું. બાદમાં તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ-ડોક્ટરલ ફેલોશિપ મેળવી હતી અને ટીબી પર રિસર્ચ શરૂ કરી હતી. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનમાં થોડા વર્ષો બાદ તેઓ ૨૦૧૪માં કેમ્બ્રીજ યુનિવર્સિટીમાં જોડાયા હતા.
લંડનમાં રોયલ સોસાયટીની સ્થાપના વર્ષ ૧૬૬૩માં થઇ હતી. સોસાયટીના રજિસ્ટરમાં ૮૦ નોબેલ પુરસ્કાર વિજેતા સહિત ૧,૬૦૦ ફેલો અને ફોરેન મેમ્બર્સ નોંધાયેલા છે.

