શૈલેશ વારાને મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડ પદે બઢતી

Wednesday 25th July 2018 06:37 EDT
 
 

લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મેએ સાંસદ શૈલેશ વારાને નોર્ધર્ન આયર્લેન્ડ માટે મિનિસ્ટર ઓફ સ્ટેટ તરીકે બઢતી આપી છે. તેઓ આ વર્ષના જાન્યુઆરીથી ડિપાર્ટમેન્ટમાં પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટના હોદ્દા પર સેવા આપી રહ્યા હતા. ભારતીય મૂળના ૫૭ વર્ષીય સાંસદ શૈલેશ વારાનો જન્મ યુગાન્ડામાં થયો હોવાં છતાં તેમના મૂળિયાં ગુજરાત સાથે સંકળાયેલા છે.

તેઓ ૨૦૦૫માં નોર્થ વેસ્ટ કેમ્બ્રિજશાયરના કન્ઝર્વેટિવ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ડિપાર્ટમેન્ટ ઓફ વર્ક એન્ડ પેન્શન્સમાં જુલાઈ ૨૦૧૬થી જુલાઈ ૨૦૧૬ સુધી તેમજ મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસમાં ઓક્ટોબર ૨૦૧૩થી જુલાઈ ૨૦૧૬ સુધી પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે હોદ્દો સંભાળ્યો હતો. વારાએ મે ૨૦૧૦થી સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી આસિસ્ટન્ટ ગવર્મેન્ટ વ્હીપ (HM Treasury) તરીકે પણ સેવા આપી હતી.

વારાએ તત્કાલીન વડા પ્રધાન ડેવિડ કેમરનના નેતૃત્વ હેઠળ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધોને વધુ વિકસાવવા ૨૦૧૪માં ભારતની મુલાકાત લીધી હતી. યુકે અને ભારત વચ્ચેના ગાઢ સંબંધોને આગળ વધારવાના તેમના કાર્યની કદર કરીને ભારત સરકારે તેમને ‘પ્રવાસી ભારતીય સન્માન’ એનાયત કર્યું હતું. વિદેશ રહેતા ભારતીય મૂળના લોકોને ભારત સરકાર દ્વારા એનાયત કરાતો આ સર્વોચ્ચ એવોર્ડ છે. વારાને વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. મહાત્મા ગાંધીના પ્રસિદ્ધ સાબરમતી આશ્રમની મુલાકાત સાથે વારાએ તેમની ૨૦૧૪ની ભારત મુલાકાત પૂર્ણ કરી હતી. તેઓ ૨૦૧૬માં કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયાના સહ-અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા હતા.

પોતાની નવી નિયુક્તિ વિશે તેમણે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને જણાવ્યું હતું કે,‘હું અઆ બઠતી મળવાથી ખરેખર ખુશ થયો છું. આપણે જ્યારે યુરોપિયન યુનિયનથી અલગ થઈ રહ્યા છીએ તેવા સંજોગોમાં નોર્ધર્ન આયર્લેન્ડમાં કામ કરવું વિશેષ મહત્ત્વનું છે, જેનાથી આયર્લેન્ડ સાથે કોઈ હાર્ડ બોર્ડર ન હોવાનું સિદ્ધ થશે.’

નોર્ધર્ન આયર્લેન્ડના સત્તાહસ્તાંતરણ સમાધાન તેમજ યુકે સરકારમાં નોર્ધર્ન આયર્લેન્ડના અને નોર્ધર્ન આયર્લેન્ડમાં યુકે સરકારના હિતોનું પ્રતિનિધિત્વ કરવા માટે નોર્ધર્ન આયર્લેન્ડ ઓફિસ જવાબદાર છે. મિનિસ્ટર ઓફ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર નોર્ધર્ન આયર્લેન્ડને રિપોર્ટ કરે છે. શ્રી વારાની નવી જવાબદારીઓમાં ઈયુ એક્ઝિટ, સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અને કેસવર્ક, લીગસી સ્ટેકહોલ્ડર મેનેજમેન્ટ તેમજ નોર્ધર્ન આયર્લેન્ડના સાંસદો, નોર્ધર્ન આયર્લેન્ડ એફેર્સ કમિટી અને રસ ધરાવતા અન્ય પાર્લામેન્ટેરિયન્સ સાથે પાર્લામેન્ટરી સંપર્ક જાળવવાનો સમાવેશ થાય છે.


comments powered by Disqus