૪૧ વર્ષના ડોક્ટરનો ૪૬ વર્ષનો અનુભવ!

Wednesday 25th July 2018 06:49 EDT
 
 

લંડનઃ મૂળ પાકિસ્તાની ડોક્ટર કાશિફ સમીનને પ્રેક્ટિસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે. ડો. સમીને માન્ચેસ્ટર મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી ઈમર્જન્સી મેડિસીનની માસ્ટર ડીગ્રી મેળવ્યાનું જૂઠાણું આચરવા સાથે તેણે પોતાના ઓનલાઈન સીવીમાં ૪૧ વર્ષની વય હોવા છતાં તબીબી ક્ષેત્રનો ૪૬ વર્ષથી વધુ અનુભવ હોવાનો દાવો કર્યો હતો. જનરલ મેડિકલ કાઉન્સિલની મેડિકલ પ્રેક્ટિશનર્સ ટ્રિબ્યુનલ સર્વિસ (MPTS) દ્વારા સુનાવણીના પગલે તેની મેડિકલ રજિસ્ટરમાંથી નોંધણી રદ કરી દેવાઈ છે.

નોર્થ વેલ્સમાં ગ્લેન ક્લીડ હોસ્પિટલમાં નોકરીની અરજી કરવામાં તેણે ઈમર્જન્સી મેડિસીનની માસ્ટર ડીગ્રી મેળવ્યાની બડાશ મારી હતી. જોકે, તેણે આ કોર્સ અધવચ્ચે જ છોડી દીધો હતો. ડો. સમીને ઓનલાઈન મૂકેલા સીવીમાં ૪૧ વર્ષની વય હોવા છતાં ૪૬થી વધુ વર્ષ ડોક્ટર તરીકે અનુભવ હોવાનો દાવો કરવા ઉપરાંત, સોશિયલ મીડિયા પ્રોફાઈલ્સમાં ન્યુ યોર્કની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યાનું દર્શાવ્યું હતું. જોકે, તેણે પાછળથી કબૂલાત કરી હતી કે તે ત્યાંની લાઈબ્રેરીની જ મુલાકાત લેતો હતો. તેનું એક પેપર જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટોલોજીમાં પ્રસિદ્ધ થયાની તેમજ અમેરિકન એસોસિયેશન ઓફ એસ્થેટિક સર્જન્સના ફેલો હોવાની ડંફાસ પણ હાંકી હતી, જે પાછળથી કાલ્પનિક પૂરવાર થઈ હતી. ડો.સમીને પાકિસ્તાનની પેશાવર યુનિવર્સિટીમાંથી ૨૦૦૧માં ડોક્ટરની ડીગ્રી હાંસલ કરી હતી.

MPTSના પેનલ ચેરમેન ડેમિયન કૂપરે જણાવ્યું હતું કે ડો. સમીનની આવી વર્તણૂક ડોક્ટરો પર દર્દીઓનો ભરોસો તોડનારી છે અને તેણે તબીબી વ્યવસાયને પ્રતિષ્ઠાને બટ્ટો લગાવ્યો છે. ડો. સમીને સતત અપ્રામાણિકતા આચરી છે. આથી જાહેર હિતમાં ડો. સમીનનું નામ મેડિકલ રજિસ્ટરમાંથી દૂર કરવાનું જ યોગ્ય ગણાશે.

અગાઉ પણ મકાન વેચાણ દસ્તાવેજમાં તેની ડોક્ટર પત્નીની ખોટી સહી કરવાના મામલે મોલ્ડ ક્રાઉન કોર્ટે ગત વર્ષે તેને ૧૨ મહિનાનો કોમ્યુનિટી ઓર્ડર જારી કર્યો હતો. ડો. સમીન વોરિંગ્ટનના ઓર્ફોર્ડમાં ફોર સીઝન્સ મેડિકલ સેન્ટરમાં કામ કરતા હતા ત્યારે પણ જીએમસી ઈન્ક્વાયરી થઈ હતી અને ટ્રિબ્યુનલે ચાર મહિનાનો પ્રતિબંધ ફરમાવ્યો હતો.


comments powered by Disqus