લંડનઃ હજારો બ્રિટિશર્સને દાયકાઓ અગાઉ તેમને ચેપગ્રસ્ત લોહીની સારવાર અપાઈ હતી તેના ઘાતક વાયરસ સાથે જીવી રહ્યા છે તેની જાણ નહીં હોય. NHS બ્લડ કૌભાંડના પીડિતોએ જણાવ્યું હતું કે તેઓ બાળક હતા ત્યારે સારવાર દરમિયાન તેમને હીપેટાઈટીસ સી અથવા એચઆઈવીના ચેપવાળું લોહી ચડાવવામાં આવ્યું હોવાનું જાણ્યા બાદ તેમને ‘મૃત્યુ દંડ’ની સજા થઈ હોય તેવું અનુભવી રહ્યા છે.
ઘણાં લોકોને તો તેમણે આ ચેપ તેમના પાર્ટનર અથવા બાળકોને લગાડી દીધો હશે તેના વર્ષો પછી તેની જાણ થઈ હતી.
અમેરિકાથી આવેલી ચેપગ્રસ્ત બ્લડ પ્રોડક્ટ્સના પરિણામે ૨,૫૦૦થી વધુ લોકોનું મોત થયું હતું. ૧૯૭૦ અને ૮૦ના દાયકામાં હજારો બ્રિટિશર્સની અને ખાસ કરીને હિમોફિલીયાના દર્દીઓને અને અકસ્માત પછી અથવા તો બાળકના જન્મ પછી ટ્રાન્સફ્યુઝનમાં તેનો ઉપયોગ થયો હતો.
તપાસના અધ્યક્ષ સર બ્રાયન લેગસ્ટફે જણાવ્યું હતું કે આ ઘટનાને એનએચએસના ઈતિહાસમાં સૌથી ખરાબ સારવાર આપત્તિ ગણાવાઈ હતી. તેમણે ઉમેર્યું હતું કે હજુ હજારો લોકો એવા હશે કે જેમની તબિયત સારી ન હોય પરંતુ, હજુ સુધી તેમને જણાવાયું ન હોય કે તેઓ હિપેટાઈટીસ - સીથી પીડાઈ રહ્યા છે. જે કાંઈ બન્યું તે હજુ પણ મૃત્યુનું કારણ બની શકે.
ઈન્ક્વાયરીના કાઉન્સેલ જેની રિચાર્ડ્સ QCએ જણાવ્યું હતું કે તપાસનો ઉદ્દેશ ચેપગ્રસ્ત બનેલા લોકોની સાચી સંખ્યા શોધવાનો છે.
સર બ્રાયન લેગસ્ટફે જણાવ્યું હતું કે કેટલાંક અંદાજ તો આ સંખ્યા ૨૫,૦૦૦થી ઉપરની બતાવે છે અને કદાચ તે હકીકત બને તેવા સંજોગો છે.
ઈન્ફેક્ટેડ બ્લડ ઈન્ક્વાયરી આગામી એપ્રિલમાં પૂરાવાની પ્રથમ સુનાવણી કરશે જે ૧૫ મહિના ચાલશે. તેની પ્રાથમિક સુનાવણી થોડા દિવસમાં થશે.
બચી ગયેલા લોકોએ જણાવ્યું હતું કે તેમનું જીવ બરબાદ થઈ ગયું છે અને તેમના પાર્ટનર અથવા બાળકોને મરતા જોયા તેની વાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેમણે કારકિર્દી છીનવાતી જોઈ, લગ્નો તૂટતા જોયા અને નામોશી વેઠતા લોકો જોયા.
ઘણી ચેપગ્રસ્ત બ્લ્ડ પ્રોડક્ટ્સ અમેરિકાથી આવી હતી. ત્યાં કેદીઓ અને ડ્રગના વ્યસનીઓને રક્તદાન કરવા બદલ રકમ ચૂકવાતી હતી. ઈન્ક્વાયરી દ્વારા જણાવાયું હતું કે મેડિકલ રેકર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ્સ ગૂમ થઈ ગયા હતા. તેથી શું થયું તેની વિગતો છૂપાવવાના પ્રયાસો થયા હતા કે કેમ તેની તપાસ કરાશે. ઘણાં ભૂતપૂર્વ હેલ્થ સેક્રેટરી અને સિનિયર સિવિલ સર્વન્ટ્સને બોલાવવામાં આવશે અને ભૂતપૂર્વ વડા પ્રધાન જહોન મેજર પર પૂરાવા આપવા દબાણ છે.

