ઇમરાન ખાન પાકિસ્તાનના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન તરીકે નામના ધરાવે છે. પહેલાં તેણે આક્રમક બોલિંગ થકી અને પછી ક્રિકેટના મેદાનમાં વ્યૂહરચનાથી દેશને નંબર વન બનાવ્યો. હવે આ જ ઇમરાન ખાન પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે રાજકીય કારકિર્દીની સૌથી મુશ્કેલ ઇનિંગ રમી રહ્યા છે. પાકિસ્તાની આર્મીની આંગળી પકડીને તે દેશના સર્વોચ્ચ સિંહાસને બેસી તો ગયા છે, પણ હવે કદાચ તેમને સમજાઇ રહ્યું હશે કે તેમની સ્થિતિ આગળ કૂવો અને પાછળ ખાઇ જેવી છે. વીતેલા સપ્તાહે તેમણે ભારત સાથે મંત્રણાનો પુનઃ પ્રારંભ કરવાની ઇચ્છા દર્શાવતો પત્ર મોકલ્યો. ભારતે તેનો સ્વીકાર કરીને આગામી દિવસોમાં વિદેશ પ્રધાનોની દ્વિપક્ષીય બેઠક માટે સંમતિ દર્શાવી. દ્વિપક્ષી સંબંધોની ગાડી ફરી પાટે ચઢવાનો આશાસ્પદ માહોલ રચાઇ રહ્યો હતો. જોકે આ વાતને કલાકો પણ નહોતા વીત્યા ત્યાં પાકિસ્તાની આર્મીએ પોત પ્રકાશ્યું. સરહદી ક્ષેત્રમાંથી એક ભારતીય સુરક્ષા દળના જવાનને ઉઠાવી ગયા અને તેના પર અત્યાચાર ગુજારીને મોત નીપજાવી તેનો ક્ષતવિક્ષત દેહ ભારતની સીમામાં ફેંકી ગયા. ભારતે આ નાપાક કરતૂતનો પ્રતિભાવ આપતાં તરત જ પાકિસ્તાન સાથેની સૂચિત મંત્રણા રદ કરી નાખતાં એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે પાકિસ્તાન જ્યાં સુધી મુખ મેં અલ્લાહ, બગલ મેં છુરીની નીતિ નહીં બદલે ત્યાં સુધી મંત્રણા શક્ય નથી. ભારતીય સેનાના વડાએ પાક.ને આકરો પાઠ ભણાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંજોગોમાં ઇમરાન ખાનની હાલત ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રોવે તેવી થઇ છે. ભારતના આ અભિગમથી સમસમી ગયેલા ઇમરાને એવું નિવેદન કર્યું છે ટૂંકી દૃષ્ટિના માણસો ઊંચા સ્થાન પર બેસી જાય ત્યારે આવું જ બનતું હોય છે. સ્પષ્ટ છે તેમનો ઇશારો વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે હતો.
ઇમરાન ખાન ભારત કે તેની નેતાગીરી વિરુદ્ધ ગમેતેવો કકળાટ કરે કે બફાટ કરે, પરંતુ તેમનું આ નિવેદન રાજકીય બાલિશતા દર્શાવે છે. ઇમરાન ખાને સમજવું રહ્યું કે તે ગમેતેટલા ધમપછાડા કરે ભારત સાથે સંબંધ સુધાર્યા વગર તેનો આરોવારો જ નથી. તેમના ખભા પર એક એવા દેશનો બોજ છે, જે લગભગ કંગાળ થઇ ગયો છે. પાકિસ્તાનના અર્થતંત્રની હાલત એ હદે કથળી ગઇ છે કે ગણતરીના દિવસો આયાત થઇ શકે એટલું જ વિદેશી હૂંડિયામણ બચ્યું છે. દેશના માથે ૧૯૯ બિલિયન ડોલરનું દેવાનો બોજ છે એ તો અલગ.
૨૦ કરોડની વસ્તી ધરાવતા દેશમાં મુઠ્ઠીભર લોકો જ વેરા ચૂકવે છે અને કરચોરીના મામલે તો એવી સ્થિતિ છે કે ઇમરાનના પૂરોગામી વડા પ્રધાન નવાઝ શરીફ પર પણ કરચોરીનો આરોપ લાગી ચૂક્યો છે. પાકિસ્તાની રૂપિયાની વાત કરીએ તો તેની સ્થિતિ પણ બેહાલ છે અને તેનું સતત અવમૂલ્યન થઇ રહ્યું છે. બેન્કોની હાલત તો આનાથી પણ ખરાબ છે અને કેટલીક બેન્કો તો દેવાળું ફૂંકવાની તૈયારીમાં છે. મોંઘવારી ઝડપભેર વધી રહી છે અને દેશમાં પ્રવર્તતી બેરોજગારી માટે તો એવું કહેવાય છે કે સરકાર આગામી દસકાઓ સુધી કામ કરે તો પણ તેનો નિવેડો આવવાની શક્યતા જણાતી નથી. દેશની વર્તમાન ખાધ સતત વધી રહી છે અને હવે તો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)નો આર્થિક સહારો લેવો પડે તે દિવસો દૂર નથી.
થોડાક વર્ષ પહેલાં પાકિસ્તાનીઓનો પ્રિય નારો હતોઃ અલ્લાહ, અમેરિકા અને આર્મી. જોકે હવે સંજોગો બદલાયા છે. પાકિસ્તાન વિદેશી સહાયમાંથી આતંકના અજગરને પાળી-પોષી રહ્યું હોવાનું ભાન થયા બાદ અમેરિકાએ પાકિસ્તાન તરફથી મોઢું ફેરવી લીધું છે. અમેરિકાની આર્થિક સહાય બંધ થવાનો (ગેર)લાભ ચીન ઉઠાવી રહ્યો છે અને પાકિસ્તાનના પ્રોજેક્ટ માટે જંગી આર્થિક સહાય આપવા તૈયાર છે. આમ આજકાલ પાકિસ્તાન ચીનના ખોળે જઇ બેઠું છે અને એવા ભ્રમમાં રાચી રહ્યું છે કે ચીન દેશની પ્રગતિમાં મદદરૂપ થઇ રહ્યું છે. ચીન આજે અબજો ડોલરની સાધનસહાય ઉપરાંત બંદરથી માંડીને હાઇ-વેના નવનિર્માણ માટે આર્થિક મદદ કરી રહ્યો છે તે સાચું, પરંતુ ખાસ્સા વ્યાજ સાથેની આ સહાયનો આંકડો એટલો વધી ગયો છે કે તેની પરત ચૂકવણી અશક્ય છે.
અત્યારે તો પાકિસ્તાન સામે સૌથી મોટી મૂંઝવણ એ છે કે આઇએમએફ પાસેથી લોન-ધિરાણ લેવા કે નહીં, કેમ કે તે કોઇ પણ પ્રકારની આર્થિક સહાય આપતાં પહેલાં અને પછી એટલી આકરી શરતો લાદે છે કે તેનું પાલન કરવું મુશ્કેલ બની જાય છે. પાકિસ્તાન અત્યાર સુધીમાં લગભગ ૧૨ વખત જંગી આર્થિક સહાય લઇ ચૂક્યો હોવાથી એ તો નક્કી જ છે કે આર્થિક સહાયની સાથે સાથે જ આકરી શરતો પણ હોવાની જ. સંભવ છે કે આઇએમએફ - અમેરિકાના દબાણમાં - એવી શરત પણ જોડી દે કે ચીનનું દેવું ભરપાઇ કરવા ધિરાણની આ રકમનો ઉપયોગ કરી શકાશે નહીં. જો આમ થાય તો પાકિસ્તાન માટે વધુ આર્થિક કટોકટી સર્જાવાની તે નક્કી છે.
ઇમરાન સરકારના નાણાં પ્રધાન અસદ ઉમરે ગયા સપ્તાહે પાકિસ્તાનનું મિની બજેટ રજૂ કર્યું છે. બજેટમાં આકરા પગલાં લેવાશે તેવી પૂર્વધારણા અનુસાર જ તેમણે નિર્ણયો કર્યા છે. તેમણે દર મહિને બે લાખ રૂપિયાથી વધુ વેતન મેળવનારા વર્ગ ઉપર ૨૫ ટકા અને વેપારીઓ ઉપર ૨૯ ટકા આવકવેરો લાદી દીધો છે. આનાથી દેશની તિજોરીમાં ૧૮૩ અબજ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત લક્ઝરી કાર, તમાકુ ઉત્પાદનો સહિતની ચીજવસ્તુઓ પર નવા વેરા લદાયા છે. જાહેર ખર્ચમાં ૭૫ અબજ રૂપિયાનો કાપ મૂકાયો છે, જેથી તેઓ બજેટની ખાધ ઘટાડી શકે. અસદનું કહેવું છે કે પાકિસ્તાનનું અર્થતંત્ર અત્યાર આઇસીયુમાં છે અને તેને તત્કાળ સારવારની જરૂર છે.
ઇમરાન ખાન ચીનના આર્થિક સહાયના ‘ષડયંત્ર’થી વાકેફ હોય તેવું અત્યારે તો લાગે છે. ચીનની સહાય દેશ પર અસહ્ય આર્થિક બોજ વધારી રહ્યાની વરવી વાસ્તવિક્તાનું ભાન થઇ જતાં ઇમરાને જાહેર કર્યું છે કે ચીનથી આવી રહેલી મદદની તે માહિતી મેળવશે અને પછી જ કોઇ નિર્ણય લેશે. ઇમરાનનો વિચાર ભલે ગમેતેટલો સારો હોય, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ચીન સાથેના કરારમાં પાકિસ્તાન આર્મી પણ એક પક્ષકાર છે અને તે આમાં કોઇ પણ અવરોધ પસંદ કરશે નહીં. ખરેખર તો ઇમરાન ખાનને આર્મીની સહાય કે સંમતિ વગર મોટા નિર્ણય લેવાની આઝાદી જ નથી કેમ કે આખરે તો તેઓ આ જ આર્મીના સહારે સત્તા પર આવ્યા છે.
પાકિસ્તાનના - સવિશેષ તો પંજાબ પ્રાંતના - વ્યાપારીઓ ઇચ્છે છે કે ભારત સાથે સુદૃઢ વ્યાવસાયિક સંબંધો વિકસાવવામાં આવે. તેમના માટે આ લાભકારક સોદો છે કેમ કે પંજાબથી પાકિસ્તાનની આર્થિક રાજધાની કરાચી લગભગ ૧૩૦૦ કિલોમીટર દૂર છે અને ત્યાંથી સામાન મંગાવવાનું અને મોકલવાનું ઘણું મોંઘુ પડે છે. બીજી તરફ, ભારતે પાકિસ્તાનને વર્ષોપહેલાં જ ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો આપી દીધો છે, પરંતું પાકિસ્તાને આજ સુધી ભારતને આ દરજ્જો આપ્યો નથી. દ્વિપક્ષી સંબંધોને મજબૂત બનાવવામાં સૌથી મોટી તકલીફ એ છે કે પાકિસ્તાની આર્મી અને કટ્ટરવાદી પરિબળો ભારત સાથે કોઇ પણ પ્રકારનો સંબંધ રાખવાની તરફેણમાં નથી. આમ ઇમરાન ખાન માટે આ મુદ્દે તેમની મંજૂરી લેવાનું સહેલું નથી. વીજળી કટોકટીનો સામનો કરી
રહેલા પાકિસ્તાન માટે ભારતનું પંજાબ વરદાનરૂપ સાબિત થઇ શકે તેમ છે. ત્યાંથી એકધારો વીજપુરવઠો પહોંચાડી શકાય તેમ છે. આમ વેપાર-વણજના સંબંધો ફરી શરૂ કરવામાં બન્ને દેશોને લાભ જ લાભ છે.
ઇમરાન ખાને બફાટ કરતાં પહેલાં સમજી લેવાની જરૂર છે કે આ ક્રિકેટનું મેદાન નથી અને તે ક્રિકેટર નથી. મેદાનમાં પ્રતિસ્પર્ધી સામે સ્લેજિંગ ચાલે, રાજકારણમાં નહીં. તે હવે એક દેશનું વડા પ્રધાન પદ સંભાળે છે, અને તે પણ એક એવા દેશનું જે બીજા દેશોની આર્થિક સહાયના ટુકડા પર નભી રહ્યો છે. ભારત સામે કોઇ પણ સંજોગોમાં નહીં ઝૂકવાની શેખી મારી ચૂકેલી આ જ દેશની નેતાગીરી ભૂતકાળમાં મંત્રણા - વાટાઘાટ માટે ભારત સમક્ષ નાકલીટી તાણી ચૂકી છે એ વાત ઇતિહાસમાં નોંધાયેલી છે. કહેવાનું તાત્પર્ય એટલું જ પાકિસ્તાને આર્થિક પ્રગતિ હાંસલ કરવી હશે તો તેને ભારત સાથે સંબંધ સુધાર્યા વગર છૂટકો જ નથી. પહેલો સગો પાડોશી કંઇ અમસ્તું નથી કહેવાયું, જ્યારે ભારત તો સહોદર દેશ છે. આજના યુગમાં કોઇ પણ દેશ માટે એકલપંડે વિકાસ શક્ય જ નથી.
