ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ટીનેજર્સના આપઘાતમાં ૬૭ ટકાનો વધારો

Wednesday 26th September 2018 07:07 EDT
 
 

લંડનઃ ૨૦૧૦અને ૨૦૧૭ વચ્ચે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ટીનેજર્સના આપઘાતમાં ૬૭ ટકાનો વધારો નોંધાયો હતો. ઓફિસ ઓફ નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS)ના આંકડા મુજબ ગયા વર્ષે ૧૮૭ ટીનેજર્સે કરેલા આપઘાત સાથે ૧૯થી નીચેની વયના ટીનેજર્સમાં આપઘાતનું પ્રમાણ ૧૫ ટકા વધ્યું હતું. તેની અગાઉના વર્ષે આ સંખ્યા ૧૬૨ હતી. આ ૨૦૧૦ના દાયકાની શરૂઆતમાં આ સંખ્યા ૧૧૨ હતી. ત્યારથી ટ્યુશન ફીમાં વધારો થયો છે જ્યારે અભ્યાસ સોશિયલ મીડિયા સાથે સંકળાતા ટીનેજર્સમાં એન્ક્ઝાઈટી અને ડિપ્રેશન વધી ગયું છે.

લંડનમાં ટીનેજર્સના આપઘાતનો દર રાષ્ટ્રીય દર કરતાં ચાર ગણો વધી ગયો હોવાનું જૂનમાં જાહેર કરાયું હતું.૨૦૧૩થી ૨૦૧૬ના ગાળામાં આપઘાતની સંખ્યા ૧૪થી વધીને ૨૯ થઈ હતી,જે ત્રણ વર્ષના ગાળામાં ૧૦૭ ટકાનો વધારો દર્શાવે છે.

મેન્ટલ હેલ્થના લેબર પાર્ટીના શેડો મિનિસ્ટર બાર્બરા કીલીએ તાજેતરના આંકડાને ‘રાષ્ટ્રીય કૌભાંડ’ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે કમનસીબે યુવાનો માટેની મેન્ટલ હેલ્થની સેવાને હાલની ટોરી સરકારના શાસન હેઠળ જરૂરિયાતના સંસાધનો પૂરા પાડવામાં આવ્યા નથી. તેનો અર્થ એવો થાય કે મેન્ટલ હેલ્થ સર્વિસને રેફર કરવામાં આવેલા બાળકોને ઘણી વખત કોઈ પણ પ્રકારની મદદ મળી નથી. જેમને મદદ મળે છે તેમને ખૂબ લાંબા સમય સુધી કેટલીક વખત તો ૧૮ મહિના સુધી પ્રતિક્ષા કરવી પડે છે.

તેમણે ઉમેર્યું હતું કે લેબર પાર્ટી યુવાનોની મેન્ટલ હેલ્થને અગ્રતા આપવા પ્રતિબદ્ધ છે.

સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ ચેરિટીના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી બેલે જણાવ્યું હતું કે૨૦૧૫માં કુલ ૬,૧૮૮ સામે ૨૦૧૬માં ૫,૯૬૬ અને ગયા વર્ષે ૫,૮૨૧ સાથે આપઘાતની કુલ સંખ્યામાં સતત બીજા વર્ષે ઘટાડો નોંધાયો હતો.


comments powered by Disqus