એન્ફિલ્ડમાં નવી ચેઝ ફાર્મ હોસ્પિટલ કાર્યરત થઈ

Wednesday 26th September 2018 06:42 EDT
 
 

લંડનઃ નોર્થ લંડનના એન્ફિલ્ડમાંડ્જિીટલ યુગના સાધનોથી સજ્જ NHSની સૌથી નવી હોસ્પિટલ દર્દીઓ માટે કાર્યરત થઈ છે. ચેઝ ફાર્મ હોસ્પિટલનું નવિનીકરણ ૨૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે માત્ર ચાર વર્ષના ગાળામાં સંપન્ન થયું હતું.

આ હોસ્પિટલમાં અરજન્ટ કેર સેન્ટર અને ઓલ્ડર પર્સન્સ એસેસમેન્ટ યુનિટ સહિત વિવિધ પ્રકારની આઉટ પેશન્ટ સર્વિસીસ ઉપલબ્ધ છે. તેમાં હીપ, ની રિપ્લેસમેન્ટ અને જનરલ ગાયનેકોલોજિકલ સર્જરી સહિત રોયલ ફ્રી લંડન NHS ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્લાન્ડ સર્જરી પણ હોસ્પિટલમાં કરવામાં આવે છે. ચેઝ ફાર્મ હોસ્પિટલ હવે લગભગ ૧.૬ મિલિયન લોકોને પ્લાન્ડ સર્જરી માટે આવરી લેશે અને દર વર્ષે ૧૦,૦૦૦થી વધુ ઓપરેશન કરશે.

નવી સર્જિકલ ફેસિલિટી ચાર ‘બાર્ન’ થિયેટર સહિત આઠ સ્ટેટ ઓફ ધ આર્ટ ઓપરેશન થિયેટરથી સજ્જ છે. ચેપને ફેલાતો અટકાવવા માટે આ ઓપન-પ્લાન સર્જિકલ એરિયામાં દરેક થિયેટરની ઉપર ખાસ એર કેનોપી બનાવવામાં આવી છે.

રોયલ કોલેજ ઓફ આર્ટના ભાગરૂપ હેલન હેમલિન સેન્ટર ફોર ડિઝાઈનના સહયોગ સાથે દર્દીઓ, સ્ટાફ અને સ્પેશિયાલિસ્ટ આર્કિટેક્ટ્સ દ્વારા હોસ્પિટલનું ડિઝાઈનિંગ કરાયું છે. હોસ્પિટલની મેઈન લોબીમાં રિસેપ્શન એરિયા તૈયાર કરાયો છે. દર્દીઓ અને મુલાકાતીઓને હોસ્પિટલના જે વિભાગોમાં જવું હોય તે તેમને સરળતાથી શોધી આપવા માટે વોલન્ટિયર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

દર્દીઓના અનુભવ અને સુરક્ષા સુધારવા માટે હોસ્પિટલ દ્વારા નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

દર્દીઓ ચેક-ઈન કરી શકે અને તેમના મોબાઈલ ફોનથી તેમને એપોઈન્ટમેન્ટ માટે બોલાવી શકાય તે માટે મોબાઈલ એપોઈન્ટમેન્ટ મેનેજર એપ્લીકેશનનું પણ પરીક્ષણ કરાઈ રહ્યું છે.

ચેઝ ફાર્મ હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ નતાલિ ફોરેસ્ટે જણાવ્યું હતું, ‘ અમારી તદન નવી હોસ્પિટલમાં દર્દીઓને આવકારવાનું આનંદદાયક છે. અમે જાણીએ છીએ કે એન્ફિલ્ડના લોકોને શ્રેષ્ઠ અને અતિ આધુનિક હેલ્થકેર પૂરી પાડવા માટે સાનુકુળ વાતાવરણ છે.

જૂની ચેઝ ફાર્મ હોસ્પિટલના બિલ્ડિંગના કેટલાંક ભાગ ૧૩૦ વર્ષ કરતાં વધુ જૂના હતા. તેના સ્થાને આ નવી હોસ્પિટલ બનાવાઈ છે.


comments powered by Disqus