પ્રખ્યાત ફિલ્મ નિર્દેશિકા કલ્પના લાજમીનું ૨૩મી સપ્ટેમ્બરે સવારે મુંબઈની કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. ૬૪ વર્ષીય કલ્પના લાજમીને કિડનીની બીમારી હતી. તે ચિત્રકાર લલિતા લાજમીનાં પુત્રી અને મહાન ફિલ્મ નિર્દેશક ગુરુ દત્તનાં ભાણેજ હતાં. કલ્પનાના ભાઈ દેવ લાજમીએ જણાવ્યું હતું કે સવારે ૪.૩૦ વાગે તેમનું અવસાન થયું હતું. તેમને કિડનીની ગંભીર બીમારી હતી તેથી તેમનું લીવર ફેઈલ થઈ ગયું હતું. તે છેલ્લાં ૩ વર્ષથી બીમાર હતાં. લાજમીએ સૌથી પહેલાં શ્યામ બેનેગલના સહાયક નિર્દેશક તરીકે કામ કર્યું હતું. તેમણે શ્યામ બેનેગલની ‘ભૂમિકાઃ ધ રોલ’ (૧૯૭૭) ફિલ્મમાં સહાયક કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે પણ કામ કર્યું હતું. મહિલા પાત્રોને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવા માટે પ્રખ્યાત કલ્પના લાજમીએ ‘એક પલ’, ‘રૂદાલી’, ‘દામન’, ‘દરમિયાં’ જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તેમની અંતિમ ફિલ્મ ‘ચિંગારી’ (૨૦૦૬) હતી. ૧૯૯૩માં આવેલી તેમની ફિલ્મ ‘રૂદાલી’ને ભારત તરફથી ૬૬મા ઓસ્કાર પુરસ્કાર માટે મોકલવામાં આવી હતી જ્યારે ફિલ્મે ૩ નેશનલ એવોર્ડ જીત્યાં હતાં.
કલ્પનાએ ‘ભૂપેન હઝારિકા-એઝ આઈ ન્યુ હિમ’ પુસ્તક પણ લખ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લાજમીના નિધન બાદ શોક પ્રગટ કરતાં ટ્વિટ કર્યું હતું કે, કલ્પના લાજમીના નિધનના સમાચાર સાંભળી દુઃખ થયું, તેમનામાં અનોખી સંવેદનશીલતા હતી.
બોલિવૂડના ટોચના કલાકારો ગેરહાજર
કલ્પનાના ભાઈ દેવ લાજમીએ તેમની અંતિમ ક્રિયા કરી હતી. અંતિમ સંસ્કારમાં બોલિવૂડના ટોચના સ્ટાર્સ ગેરહાજર હતાં. માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં જ તેમની અંતિમ વિધિ થઈ હતી.
લલિતા લાજમી ઉપરાંત અભિનેત્રી શબાના આઝમી, સોની રાજદાન અને નિર્દેશક શ્યામ બેનેગલ તેમની અંતિમ ક્રિયામાં હાજર હતા. સોની રાજદાન સૌથી પહેલાં પહોંચી ગયાં હતાં. તે અને લાજમી ખાસ મિત્ર હતાં.

