લંડનઃ ઝેરી પ્રોડક્ટ્સ વેચવા બદલ જેલની સજાના પ્રથમ કિસ્સામાં ચામડીને ગોરી બનાવવા માટેની પ્રોડક્ટ્સ વેચનારા ઈસ્ટ લંડનમાં ઈસ્ટ હેમના ૪૫ વર્ષીય શોપકિપર મોહમ્મદ ઈકબાલ ભારોડાવાલાને ૨૦ મહિનાની જેલ થઈ હતી. જેનીસ ઓનલાઈન લિમિટેડનું સંચાલન કરતા તેના ૩૫ વર્ષીય ભાઈ અબ્દુલ કાદર ભારોડાવાલાને ઈનર લંડન ક્રાઉન કોર્ટે ૮૦ કલાકની અનપેઈડ વર્કની સજા ફરમાવી હતી. કંપનીને પણ ૧,૫૦૦ પાઉન્ડનો દંડ કરાયો હતો.
આ પ્રોડક્ટમાં યુકેમાં પ્રતિબંધિત હાઈડ્રોક્વિનોનનો ઉપયોગ કરાયો હતો. તે ચામડી માટે હાનિકારક હોવા ઉપરાંત લીવર તથા નર્વસ સિસ્ટમને નુક્સાન પહોંચાડે છે. છ સંતાનોના પિતાએ ભારોડાવાલાએ પ્રોડક્ટના વેચાણ સંબંધિત નવ ગુના અને નુક્સાનકારક વસ્તુઓ માટેના અપૂરતા લેબલિંગના ૧૫ આરોપ પણ કબૂલ્યા હતા. આ પ્રોડક્ટ્સ ગયા જાન્યુઆરીમાં સાઉથઈસ્ટ લંડનમાં જેનીસ કોસ્મેટિક્સમાંથી જપ્ત કરવામાં આવી હતી. ભારોડાવાલાને ચાર વર્ષ સુધી કોઈપણ કંપનીના ડિરેક્ટર બનવા માટે ગેરલાયક ઠેરવાયા હતા. ભારોડાવાલાને નવેમ્બર ૨૦૧૫માં આવા જ ગુના માટે ૧૨ મહિનાની સસ્પેન્ડેડ સજા અને ૧,૩૦૦ પાઉન્ડનો દંડ કરાયો હતો.

