હવે તો લુપ્ત થતા ‘કાગ’નો ‘વાઘ’ કરવાની સ્થિતિ આવી પહોંચી હોં કે!

- ખુશાલી દવે Wednesday 26th September 2018 09:05 EDT
 
 

હિંદુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષ અને કાગવાસનું ઘણું મહત્ત્વ છે. શ્રાદ્ધ પક્ષમાં એક તો જમણવારમાં માણસ દૂધપાક કે ખીર ભોજનમાં એટલા માટે લે છે કે તેમાં બોડીના નેચરલ બેલેન્સની ભાવના છુપાયેલી છે. સાયન્ટિફિકલી, વરસાદ (બશર્તે, કુદરતી અને મોસમી જે આ વર્ષે દોહ્યલો હતો!)ની મોસમ પછી જે તડકો પડે તેનાથી શરીરમાં પિત્તનું પ્રમાણ વધી જાય છે. વ્યક્તિમાં પિત્ત કે લોહી વિકારના કારણે ઘણા રોગો માથું ઊંચકે છે. આ પિત્ત શમન માટે પિતૃતૃપ્તિ સમાન શ્રાદ્ધ કાર્ય કરીને તેમાં ખીર દૂધપાક આરોગવાનો મહિમા છે.
નંબર બે શ્રાદ્ધ પક્ષમાં માણસે દૂધપાક કે ખીર ભાજનમાં લેવા અને કાગડાને વાસ નાંખવો. આ નંબર બે પરંપરા પાછળનું પણ વિજ્ઞાન એવું છે કે ભાદરવા મહિનામાં કાગડાને બચ્ચાં આવે છે. લુચ્ચી ગણાતી કાગની પ્રજાતિનાં બચ્ચાં આ માસમાં હજી જંતુઓ આરોગવા અને પચાવવા સક્ષમ નથી હોતા. તેથી આ બચ્ચાંના પોષણ માટે કાગવાસ નંખાય છે. જોકે શક્ય છે કે કેટલાક વર્ષો પછી તમને એવું દૃશ્યમાન થાય કે શ્રાદ્ધકર્મના પરંપરા પ્રેમીઓને શ્રાદ્ધમાં કાગડાની કૃત્રિમ પ્રતિકૃતિ બનાવી એની સામે ખીર કે દૂધપાક ધરી દેવો પડે!
જી હા, કાગડો એ સામાન્ય રીતે તો આખા જગતમાં બધા જ વિસ્તારોમાં જોવા મળતું પક્ષી છે, પણ ગુજરાત રાજ્યમાં કાગડાની પ્રજાતિ ઓછી થતી જાય છે એ ચિંતાનો વિષય છે. જોકે કાગડા ‘બધે’ કાળા એ કહેવત પણ ધીરે ધીરે ડિક્શનરીમાંથી કાઢીને ‘કાગડા જ્યાં દેખાય ત્યાં, પણ હોય કાળા’ કરવી પડે એવી સ્થિતિ છે. કારણ કે માત્ર ગુજરાતમાંથી જ નહીં મોટાભાગના સ્થળેથી આ પ્રજાતિ ઓછી થવા લાગી છે. જો આમ ચાલ્યું તો દુનિયામાં બધે જ હોય એવા કાગડા માટે ભવિષ્યની પેઢીનાં બાળકોને બાળચિત્રોમાં જ કાગડા દેખાડીને એની ઓળખ આપવી પડશે જેમ ઘણા લુપ્ત પ્રજાતિનાં જીવજંતુ પશુ પંખીની આપી રહ્યાં છીએ એ રીતે.
કાગ પ્રજાતિ મામલે કેટલાક વનરક્ષકોનું માનવું છે કે કાગડા હંમેશા ગીચ ઘેઘૂર વૃક્ષમાં જ માળા બનાવતાં હોય છે અને ઝાડનું નિકંદન નીકળતું હોવાથી કાગડા જીવન ટકાવવા મથી રહ્યાં છે! વળી, કાગડા માનવ વસાહત સાથે રહેવા ટેવાયેલા છે, પણ કાગડા તો બધે હોયની માન્યતાના લીધે શ્રાદ્ધના દિવસો સિવાય કાગ સંવર્ધન માટે ખાસ કોઈ ઉપાયો, પ્રયોગો કે પ્રયત્ન લોકો કે પક્ષીપ્રેમીઓ દ્વારા પણ થતાં નથી.
કાગ કહેવતો
કાગની અને આપણી માતૃભાષા ગુજરાતી બંનેના સંવર્ધન અને વિકાસ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારે બજેટ ફાળવ્યું છે કે નહીં અને એ બજેટ યોગ્ય રીતે વપરાયું છે કે નહીં એ તો ‘ઉપરવાળા’ જાણે, પણ આ બંને જ્યારે લુપ્તતાના આરે છે ત્યારે કાગડા અંગેની થોડી ગુજરાતી કહેવતો થકી માતાઓ પોતાના સંતાનોને ગુજરાતીમાં કાગડાની ઓળખાણ કરાવી શકે છે.
• કાગડા ઊડવા
• કાગડા બધેય કાળા હોય
• કાગડો દહીંથરું લઈ ગયો
• કાગના ડોળે રાહ જોવી
• કાગનું બેસવું ને ડાળનું પડવું
• કાગનો વાઘ કરવો
• કાગા વહાલુ કુંભજળ, સ્ત્રીને વહાલી વાત, બ્રામ્હણને ભોજન ભલુ, ગદ્દા વહાલી લાત, મુંડ મુંડાવે તીન ગુણ, મિટે સીરકી ખાજ, ખાનેકું લડ્ડુ મિલે, લોક કહે મહારાજ.
કાગડા વિશે જાણવા જેવું
• કાગડાની પ્રકૃતિ ચાલાક અને લાલચુ પક્ષીની ગણાય છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને ઝડપથી ઢાળી લે છે.
• કાગડાની યાદશક્તિ અત્યંત સતેજ હોય છે. તે માણસોને ચહેરા સાથે યાદ રાખી શકે છે.
• કાગડાની માથાની રચના મનુષ્ય જેવી જ હોય છે. તે ખૂબ જ સામાજિક હોય છે અને મનુષ્ય સાથે ઝડપથી હળીમળી પણ જાય છે.
• કાગડાને કુદરતી સફાઈ કામદાર મનાય છે તે જીવજંતુ પર નિર્ભર રહે છે.
• કાગડા અન્ય પક્ષીઓની સરખામણીએ વિચિત્ર રીતે ઊડે છે.
• સામાન્ય રીતે કાગડાનું આયુષ્ય ૧૫થી ૨૦ વર્ષ હોય છે. જો યોગ્ય સારસંભાળ લેવાય તો તે ૩૫ વર્ષ સુધી જીવી શકે છે.
• દુનિયામાં સૌથી લાંબુ જીવવાવાળા કાગડાનું આયુષ્ય ૫૯ વર્ષનું નોંધાયું છે.


    comments powered by Disqus