લંડનઃ સામાન્યપણે એમ માનવામાં આવે છે કે સ્ત્રીનાં નકારમાં તેની હા છુપાયેલી હોય છે. જોકે, સ્ત્રી પર બળાત્કારનો મામલો અલગ જ મુદ્દો છે. તેમાં સ્ત્રીની ઈચ્છાને તદ્દન અવગણવામાં આવે છે. બોલીવૂડની ફિલ્મ ‘પિન્ક’માં બળાત્કાર મુદ્દે મેગાસ્ટાર વકીલ અમિતાભ બચ્ચન કોર્ટને કહે છે કે ‘નો મીન્સ નો’. આવો જ બળાત્કારવિરોધી કાનૂની ખરડો સ્પેનમાં રજૂ કરાયો છે. આ ખરડામાં સ્પષ્ટ કરાયું છે કે સ્ત્રીના મૌનને સેક્સ માટેની સંમતિ તરીકે ગણી શકાય નહિ. જો તે ના કહે તો તેનો અર્થ ના જ છે અને જો તે હા ન કહે તો તેનો અર્થ પણ ના જ છે. બળાત્કાર હુમલાના એક કેસમાં પીડિતા મૌન રહી હોવાથી તે કેસ નિષ્ફળ રહ્યો હતો, જેના પરિણામે આ નવો ખરડો આવ્યો છે. સ્વીડનમાં પણ આ પ્રકારનો કાયદો અમલમાં છે.
સ્પેનમાં ૨૦૧૬ના પામ્પલોના બૂલ રનિંગ ફેસ્ટિવલ દરમિયાન પૂર્વ પોલીસ અધિકારી અને પૂર્વ સૈનિક સહિત પાંચ પુરુષોએ ૧૮ વર્ષની યુવતી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો. આ જાતીય હુમલા દરમિયાન યુવતી કથિતપણે મૌન રહી હોવાના કારણે આરોપીઓને સામૂહિક બળાત્કારના ગુનામાંથી મુક્ત કરી જાતીય શોષણના હળવા ગુના માટે દોષિત ઠરાવી સ્પેનિશ કોર્ટે દરેકને નવ વર્ષ કેદની સજા ફરમાવી હતી પરંતુ, પડતર અપીલોના લીધે તેમને જૂન મહિનામાં મુક્ત કરાયા હતા.
સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાન્ચેઝે પાર્લામેન્ટ સમક્ષ કહ્યું છે કે,‘જો તે ના કહે તેનો અર્થ ના જ છે અને જો તે હા ન કહે તો તેનો અર્થ પણ ના જ છે.’ સ્પેન દ્વારા નવા બળાત્કાર સંબંધિત નવા ખરડામાં ચોક્કસ કરાયું છે કે સ્પષ્ટ સંમતિ વિનાનું સેક્સ ગુનાઈત ગણાશે. આનો અર્થ એ છે કે સ્પેન હવે બ્રિટન અને કેનેડા જેવા દેશોની હરોળમાં આવી જશે, જ્યાં સેક્સમાં સંમતિનો અભાવ ગુનો ગણાય છે. સ્પેનના વર્તમાન કાયદા અનુસાર જાતીય આક્રમણ અથવા બળાત્કારના અપરાધમાં પીડિતને ચાકુ સાથે ધમકી આપવી અને શારીરિક ઝપાઝપી સહિતની ચોક્કસ હિંસાનો સમાવેશ થાય છે.
ભારતમાં ૧૨ વર્ષથી નાની કન્યા સાથે બળાત્કાર બદલ મૃત્યુદંડની પણ સજા
ભારતની વાત કરીએ તો ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં જ ફાંસીની સજા થાય છે. જોકે, બાળકીઓ સાથે દુષ્કર્મના સંદર્ભે ૧૨ વર્ષથી નાની વયની કન્યાઓ સાથે બળાત્કારનાં કેસમાં ત્વરિત તપાસ, ઝડપી ખટલા અને મૃત્યુદંડની પણ આકરી સજાની જોગવાઈ ધરાવતો મહત્ત્વનો ખરડો લોકસભામાં પસાર કરાયો છે. આ ખરડા થકી બળાત્કારની લઘુતમ સજા પણ ૭ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરી દેવાઈ છે, જે આજીવન કેદ સુધી વિસ્તરી શકે છે.
આ ખરડા અનુસાર ૧૬ વર્ષથી નાની વયની બાળા સાથે દુષ્કર્મનાં ગુનામાં લઘુતમ સજા ૧૦ને બદલે હવે ૨૦ વર્ષની રહેશે. આ સજા પણ આજીવન કેદ સુધી વધી શકશે. જ્યારે ૧૨ વર્ષથી નાની સગીરા સાથે અપરાધનાં કિસ્સામાં ૨૦ વર્ષથી લઈને ફાંસી સુધીની સજાની જોગવાઈ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ૧૬ વર્ષથી નાની કિશોરી સાથે દુરાચારનાં કિસ્સામાં આરોપી આગોતરા જામીન મેળવવાપાત્ર પણ ગણાશે નહીં.
નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા યથાવત
ભારતમાં સુપ્રીમ કોર્ટની ચીફ જસ્ટિસ દીપક શર્માની અધ્યક્ષતાવાળી બેન્ચે ૯ જુલાઈ, સોમવારે દિલ્હી નિર્ભયા સામૂહિક બળાત્કાર કેસમાં ત્રણ દોષિત- મુકેશ, પવન ગુપ્તા અને વિનય શર્માની ફાંસીની સજા યથાવત રાખી છે. ૨૦૧૨ની ૧૬મી ડિસેમ્બરે દક્ષિણ દિલ્હીમાં ચાલતી બસમાં ૨૩ વર્ષની વિદ્યાર્થિની નિર્ભયા પર સામૂહિક બળાત્કાર પછી તેને રસ્તા પર ફેંકી દેવાઈ હતી. ગંભીરપણે ઘાયલ નિર્ભયાને ભારતમાં સારવાર અપાયા બાદ સિંગાપુરની માઉન્ટ એલિઝાબેથ હૉસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાને કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિર્ભયાના માતાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ફરીથી અમને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાય મળ્યો છે. તેમણે કહ્યું, "હું ભારતની ન્યાય વ્યવસ્થાને ધન્યવાદ આપું છું. જોકે, મને એ વાતનું દુઃખ છે કે ૨૦૧૨ બાદથી અત્યાર સુધી પરિસ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી. બળાત્કારની ઘટનાઓ હજી પણ બને છે.’
બાળકીઓ સાથે બળાત્કારની કયા દેશમાં કેવી સજા?
નાની ઉંમરના બાળકોના જાતીય શોષણ માટે ફાંસીની સજાને સમર્થન અને વિરોધ પણ છે. ફાંસીની સજાથી ગુનાનું પ્રમાણ ઘટશે તેમ માનનારા છે તો કેટલાક આમ માનતા નથી. આજ રીતે સમગ્ર વિશ્વમાં બળાત્કાર સંદર્ભે સજાના અલગ કાયદા છે. કેટલાંક દેશોમાં બાળકો સાથે યૌન શોષણને બળાત્કારથી પણ મોટો અપરાધ મનાય આવે છે. દરેક દેશમાં સગીરા અને બળાત્કારની વ્યાખ્યા પણ અલગ-અલગ છે.
દિલ્હીની નેશનલ લો યુનિવર્સિટીમાં સંશોધન કરતાં રિસર્ચ એસોસિએટ નીતિકા વિશ્વનાથ અનુસાર વિશ્વમાં બે પ્રકારના દેશ છે. એક એવા દેશ જ્યાં ફાંસીની સજાની જોગવાઈ છે પણ બાળકો સાથે બળાત્કાર માટે ફાંસીની સજા નથી. જ્યારે બીજા એવા દેશ છે જેમાં કોઈ પણ અપરાધ માટે ફાંસીની સજા નથી.
મૃત્યુદંડની સજા આપનારાં દેશ
નીતિકા અનુસાર જે દેશોમાં અપરાધ માટે મૃત્યુદંડની સજાની જોગવાઈ છે, તેવા દેશોને 'રિટેશનિસ્ટ' દેશ કહેવામાં આવે છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલના ૨૦૧૩ના એક રિપોર્ટ અનુસાર વિશ્વમાં માત્ર આઠ જ દેશોમાં બાળ અપરાધી માટે ફાંસીની સજાની જોગવાઈ છે. આ દેશોમાં ચીન, નાઇજિરીયા, કાંગો, પાકિસ્તાન, ઇરાન, સાઉદી અરેબિયા, યમન અને સૂડાનનો સમાવેશ થાય છે.
કેટલાંક 'રિટેશનિસ્ટ' દેશોમાં પણ બાળકો સાથે બળાત્કાર માટે ફાંસીની સજાની જોગવાઈ નથી. જોકે, આ દેશોમાં બાળકો પર જાતીય શોષણ માટે કડક સજા નક્કી કરવામાં આવેલી છે.
આ દેશમાં મૃત્યુદંડની જોગવાઈ નથી
વર્ષ ૨૦૦૧માં હક-સેન્ટર ફોર ચાઇલ્ડ રાઇટે વિશ્વભરના દેશોમાં બાળકીઓ સાથે થયેલા જાતીય શોષણ અને બળાત્કાર મામલે સજા વિશે તૈયાર કરેલા રિપોર્ટ અનુસાર દરેક દેશમાં બાળકો સાથે બળાત્કાર મામલે અલગ અલગ સજા આપવામાં આવી હતી.
મલેશિયા - અહીં બાળકોના જાતીય શોષણ માટે વધુમાં વધુ ૩૦ વર્ષની કેદ અને કોરડા મારવાની સજાની જોગવાઈ છે.
સિંગાપોર - આ દેશમાં ૧૪ વર્ષના બાળક સાથે બળાત્કાર માટે અપરાધીને ૨૦ વર્ષની કેદ, કોરડા ફટકારવાની સજા અને દંડની સજા થઈ શકે છે.
અમેરિકા - બાળકો સાથે બળાત્કાર માટે પહેલાં મૃત્યુદંડની સજાની જોગવાઈ હતી પણ કેનેડી વિ. લુઇસિયાના (૨૦૦૮) કેસમાં મૃત્યુની સજાને ગેરબંધારણીય જાહેર કરાઈ હતી. કોર્ટનું કહેવું હતું કે મૃત્યુ ન થયું હોય તેવા કેસમાં મૃત્યુદંડની સજા યોગ્ય નથી. જેનો અર્થ કે સજા અપરાધ કરતાં વધુ મોટી છે. આથી આ રાજ્યોમાં હવે મૃત્યુદંડની સજા નથી થતી. જોકે, અમેરિકામાં બાળકો સાથે બળાત્કારના મામલે રાજ્યો અનુસાર જોગવાઈ અલગ-અલગ છે.
ફિલિપાઇન્સ - અહીં બાળકો સાથે બળાત્કારની સૌથી કડક સજા છે. અહીં દોષિતને પેરોલ વગર ૪૦ વર્ષ કેદ સુધીની સજા થઈ શકે છે.
ઓસ્ટ્રેલિયા- અહીં બાળકીઓના બળાત્કારીને ૧૫થી ૨૫ વર્ષ સુધીની જેલની કેદ થઈ શકે છે.
કેનેડા - બાળકો સાથે બળાત્કાર માટે વધુમાં વધુ ૧૪ વર્ષની કેદની સજા થઈ શકે છે.
ઇંગ્લેન્ડ અને વેલ્સ - બાળકો સાથે બળાત્કાર માટે અહીં ૬થી ૧૯ વર્ષ કેદની સજાથી લઈને આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે.
જર્મની- બાળકો સાથે બળાત્કાર બાદ તેમનું મૃત્યુ થાય તે આજીવન કારાવાસની સજા છે. પરંતુ માત્ર બળાત્કાર માટે વધુમાં વધુ ૧૦ વર્ષની સજા નક્કી કરવામાં આવી છે.
દક્ષિણ આફ્રિકા- બળાત્કારીને પ્રથમ વખત ૧૫ વર્ષ જેલની સજાની જોગવાઈ છે. બીજી વખત દોષિત ઠરે તો ૨૦ વર્ષ કેદ અને ત્રીજી વખત ૨૫ વર્ષ કેદની સજા થાય છે.
ન્યૂઝી લેન્ડ- આ પ્રકારના અપરાધ માટે ૨૦ વર્ષની સજાની જોગવાઈ છે.
