વીજળીની સમસ્યાનો જેણે અનુભવ કર્યો હોય તેવા લોકો આ દેશમાં કોઈપણ ખૂણે મળી જશે. વીજળીનો વપરાશ ન કર્યો છતાં મસમોટાં બિલ આવ્યા હોય તેવો બળાપો કાઢનારા લોકોની વ્યથાને વાચા આપતી અને વીજકંપનીઓ પર પ્રહાર કરતી ફિલ્મ ‘બત્તી ગુલ મીટર ચાલુ’ રજૂ થઈ ચૂકી છે.
વાર્તા રે વાર્તા
‘બત્તી ગુલ મીટર ચાલુ’ ઉત્તરાખંડના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વીજકંપનીઓની તાનાશાહી પર પ્રહાર કરે છે.
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ત્રણ મિત્રો સુશીલકુમાર પંત (શાહિદ કપૂર) લરિતા નોટિયાલ (શ્રદ્ધા કપૂર) અને સુંદર મોહન ત્રિપાઠી (દિવ્યેદુ શર્મા)ની આ વાર્તા છે. વકીલ સુશીલકુમાર લલિતાને પ્રેમ કરતો હોય છે, પરંતુ લલિતા સુંદર સાથે લગ્ન કરી લે છે. ભગ્નહૃદયી વકીલ મિત્રોથી વિખૂટો પડી જાય છે. સુંદરની ફેકટરીને રૂ. ૫૪ લાખનું વીજળીનું બિલ આવે છે. જેથી સુંદર આત્મહત્યા કરી લે છે. એ પછી સુશીલ કોર્ટમાં વીજકંપની સામે કેસ કરે છે. એ પછી શું થાય છે? તેનો જવાબ ફિલ્મમાં છુપાયેલો છે.
સુંદર માવજત
નિર્દેશક શ્રી નારાયણસિંહ ‘ટોયલેટ-એક પ્રેમકથા’ પછી ફરી એક વખત સામાજિક નિસ્બતના મુદ્દે સૌનું ધ્યાન ખેંચે છે. ફિલ્મની લંબાઈ ૩ કલાક ઉપરાંતની છે. જો કે ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ જબરદસ્ત છે. કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં ચાર ચાંદ લગાવે છે.
એક્ટિંગ દમદાર
શાહિદ કપૂરની એક્ટિંગ વખણાઈ છે. શ્રદ્ધાનું કામ પણ પ્રભાવક છે. દિવ્યેદુ પણ પાત્રને જીવંત કરે છે. ઉપરાંત ફિલ્મમાં ગીતો પણ કર્ણપ્રિય છે.

