‘બાહુબલી’ની ઐતિહાસિક સફળતા પછી આમિર ખાનની વર્ષો જૂની ઇચ્છા આળસ મરડીને ઊભી થઈ છે. આમિરને વર્ષોથી મહાભારત ગ્રંથને કેન્દ્રમાં રાખીને ફિલ્મ બનાવવાની ઇચ્છા છે. આમ તો મહાભારતને ત્રણ કલાકમાં દર્શાવવી મુશ્કેલ હોવાથી આમિરે ફિલ્મનો વિચાર પડતો મૂક્યો હતો, પણ ઐતિહાસિક ફિલ્મ ‘બાહુબલી’ જોયા પછી આમિરે નક્કી કર્યું છે કે તે રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે મહાભારત પરથી આખી સિરીઝ ફિલ્મ બનાવશે.
આમિર ખાનનું આયોજન એવું છે કે મહાભારતની પટકથાના પાંચ ભાગ બનાવીને દસ વર્ષમાં રિલિઝ કરવાની ઇચ્છા છે. આમિરનું કહેવું છે કે દર્શકો આધુનિક ટેકનિકથી દર્શાવવામાં આવેલી મહાભારતની ઐતિહાસિક કથાને રૂપેરી પડદે અચૂક જોવાનું પસંદ કરશે. આ ફિલ્મને વર્લ્ડવાઈઝ રિલીઝ કરવામાં આવે તો રૂ. ૩૦૦૦ કરોડ સુધીની કમાણી કરી શકે એવી એની ગણતરી છે.
આમિરને મહાભારતમાં કર્ણનું પાત્ર ખૂબ જ પસંદ હોવાથી તે ફિલ્મમાં કર્ણ અથવા કૃષ્ણનું પાત્ર ભજવે એવી શક્યતા છે. જોકે હજી આ યોજના વિચારાધીન છે.
ઉલ્લેખનીય છે કે એસ. એસ. રાજામૌલી આ ફિલ્મ માટે આમિર સાથે જોડાય એવી ઇચ્છા પણ આમિરે વ્યક્ત કરી છે.

