સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોમાં સંજય લીલા ભણસાલીની દીપિકા પદુકોણ, રણવીર સિંહ અને શાહિદ કપૂર અભિનિત ફિલ્મ ‘પદ્માવત’ને રિલીઝ કરવાનો આદેશ આપતાં ૨૬મી જાન્યુઆરીએ દેશના કેટલાક રાજ્યોમાં ‘પદ્માવત’ રિલીઝ થઈ ચૂકી છે. સર્વોચ્ચ અદાલતે ચાર રાજ્યોમાં ‘પદ્માવત’ પર મુકાયેલા પ્રતિબંધ પર પણ સ્ટે આપ્યો હતો જોકે સુરક્ષાના કારણોસર ચારેક રાજ્યોમાં ફિલ્મ રિલીઝ કરાઈ નહોતી. સંજય લીલા ભણસાલીને ફિલ્મના શૂટિંગ સમયથી આ ફિલ્મના ભારે વિરોધનો ભલે સામનો કરવો પડ્યો હોય, પરંતુ આ ફિલ્મ રિલીઝ થયા પછી કમાણીના ઘણાં બધા રેકોર્ડ્સ બનાવ્યાં છે. ‘પદ્માવત’ ફિલ્મ રિલીઝ બાદ પહેલા સપ્તાહે જ ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઈ છે. રિલીઝના ચાર જ દિવસમાં ફિલ્મે રૂ. ૧૧૫ કરોડનું કલેક્શન કરી લીધું છે.
દેશની બહાર પણ ફિલ્મની કમાણી ધાર્યા કરતાં વધારે થઈ રહી છે. ઉત્તર અમેરિકા, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ફિલ્મે ‘બાહુબલી 2’, ‘પીકે’ અને ‘દંગલ’નો રેકોર્ડ તોડી નાંખ્યો છે. વિદેશમાં પહેલા વીકેન્ડમાં ૪૭,૮૦,૨૩૯ ડોલર (૩૦ કરોડ)નું કલેક્શન ફિલ્મે કર્યું છે. આ ફિલ્મ ઉત્તર અમેરિકામાં વીકેન્ડ પર કમાણી કરનાર નંબર વન ભારતીય ફિલ્મ બની ગઈ છે.

