નવી દિલ્હીઃ ઘણી વખત શારીરિક દુઃખાવાથી છુટકારો મેળવવા માટે આપણે જાતે જ દવા લઈને ઈજાને થીગડું મારી દઇએ છીએ, પરંતુ નિષ્ણાતો કહે છે કે જાતે જ દર્દનું નિદાન કરીને દવા લેવાનુંસ વલણ ક્યારેક બહુ જોખમી પુરવાર થાય છે. આવો અભિગમ ક્યારેક મોતનું કારણ બને છે.
તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ હકીકત જાણવા મળી છે. ગમેત્યારે ગમે તે પ્રકારની ગોળી લેવી એ મોતને આમંત્રણ આપવા જેવું છે. મેડિકલ ગાઇડન્સ વગર દવા લેવાથી ચોક્કસ ટ્રીટમેન્ટ થતી નથી, રોગનું સચોટ નિદાન થતું નથી, ખોટું નિદાન થાય છે, રોગ સામે રક્ષણના બદલે આડઅસર થઈ શકે છે. આ ઉપરાંત આર્થિક ફટકો પણ પડે છે. ઘણી વખત મોંઘી દવાઓને કારણે બજેટ પણ ખોરવાય છે.
આ અહેવાલ પ્રમાણે પોતાની જાતે કોઈ નિદાન કરવાથી કે મેડિકલ ગાઇડન્સ વગર દવા લેવાથી દર્દીની રોગ-પ્રતિકારક શક્તિ સામે જોખમ ઊભું થાય છે. દર્દની સાથે અન્ય રોગ વધવાની ભીતિ રહે છે. દવા લેવાથી પ્રાથમિક તબક્કે ભલે દર્દમાંથી રાહત મળે પરંતુ લાંબા ગાળે આ પ્રકાની દવાઓ અને સિરપથી સ્વાસ્થ્યને મોટું નુકસાન થાય છે. આ ઉપરાંત ક્યારેક દવાઓના હાઈ પાવરને કારણે નબળાઈ પણ આવી જાય છે. આજે દુનિયાભરમાં મેડિકલ ગાઇડન્સ વગર દવાઓ લેવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે તે ચિંતાજનક છે.
એન્ટિબાયોટિક માટે મેડિકલ ગાઇડન્સ અનિવાર્ય
અભ્યાસના અંતે તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે લોકોમાં જાગૃતિ આવે અને તેઓ જાતે દવા લેતા અટકે તેવા કાર્યક્રમો થવા જોઈએ. અસર અને આડઅસર અંગે સ્પષ્ટતા થવી જોઈએ, એન્ટિબાયોટિક દવાઓની સીધી અસર શરીરના મેટાબોલિઝમ અને સ્ટેમિના પર થાય છે. કોઈ પણ દવાઓ સાથે એન્ટિબાયોટિકનું કોમ્બિનેશન અપાય છે જેમાં માંસપેશીને યોગ્ય માત્રામાં અસર કરતાં તત્ત્વો હોય છે. સામાન્ય માંદગી અને દર્દમાં ગમેતેવી દવાથી ચલાવી લેવાય છે, પણ આ પ્રકારની દવાની અસર હૃદય પર થાય છે, જેથી બીમારી થવાની શક્યતા વધી જાય છે.

