સામગ્રીઃ ટોફુ ૨૫૦ ગ્રામ • કાજુ ૨૦ નંગ • ટામેટાં ૨ નંગ • લીલા મરચાં ૨ નંગ • આદું નાનો ટુકડો • માખણ ૪ ચમચા • દહીં અડધો કપ • જીરા પાઉડર ૧ ચમચી • ધાણા પાઉડર ૧ ચમચી • હળદર અડધી ચમચી • મરચું પા ચમચી • ગરમ મસાલો પા ચમચી • ખાંડ અડધી ચમચી • દૂધ અડધો કપ • સમારેલી કોથમીર ૧ ચમચો
રીતઃ ટોફુના ચોરસ ટુકડા કરો. એક નોનસ્ટિક પેનમાં માખણ ગરમ કરો. તેમાં ટોફુના ટુકડા નાખીને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી કાઢી લો. કાજુને અડધો કલાક પલાળી રાખી પછી તેને ક્રશ કરી પેસ્ટ બનાવો. ટામેટાં, આદું અને લીલાં મરચાં ધોઈ અને ત્રણેયને મોટા પીસ કરી મિક્સીમાં ક્રશ કરી લો. તેમાં દહીં નાખો અને ફરી એક વાર મિક્સી ચલાવી ટામેટાંની દહીંવાળી પેસ્ટ તૈયાર કરો. હવે પેનમાં માખણ ગરમ કરો. તેમાં જીરા પાઉડર, હળદર અને ધાણા પાઉડર નાખો. દહીંવાળી પેસ્ટ નાખીને મસાલાને થોડી વાર સાંતળો. હવે વધેલું માખણ, કાજુની પેસ્ટ, મરચું અને ગરમ મસાલો નાખી સાંતળો અને ઘી છૂટું પડવા દો. ગ્રેવીને ઘટ્ટ રાખવી હોય એટલી રાખીને તેમાં થોડું દૂધ રેડતાં જાવ. તે સાથે ગ્રેવીને એક ચમચાથી હલાવતાં રહો. તેમાં એક ઊભરો આવે એટલે મીઠું અને ગરમ મસાલો મિક્સ કરો. હવે ટોફુના ટુકડા તેમાં નાખી ફરીથી ઊભરો આવે ત્યાં સુધી રહેવા દો. ટોફુ બટર મસાલા તૈયાર છે. પરોઠાં કે નાન સાથે સર્વ કરો.

