વોશિંગ્ટન: યુનાઈટેડ નેશન્સમાં ભારતીય મિશને પ્રજાસત્તાક પર્વે યોજાયેલા કરેલા કાર્યક્રમમાં રશિયા, ચીન, ફ્રાંસ અને બ્રિટનના રાજદૂતો સહિત અનેક ઉચ્ચ પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ ચારેય દેશ યુએન સિક્યોરિટી કાઉન્સિલના કાયમી સભ્યો છે. આ ઉપરાંત સમગ્ર અમેરિકામાં પણ ગણતંત્ર દિન નિમિત્તે ઠેર ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
યુએનમાં યોજાયેલા રાજદૂતોના આ સૌથી મોટા મેળાવડામાં યુએન જનરલ એસેમ્બ્લીના પ્રમુખ મિરોસ્લાવ લાજકેક અને ડે. સેક્રેટરી જનરલ અમીના મોહમ્મદે હાજરી આપી હતી. રસપ્રદ વાત એ છે કે, ભારતીય ગણતંત્ર દિવસની ઉજવણીમાં પાકિસ્તાનના યુએન સ્થિત કાયમી રાજદૂત મલીહા લોધી પણ ઉપસ્થિત રહ્યા હતા. યુએન ડેલિગેટ્સ ડાઇનિંગ રૂમમાં સુંદર ડાન્સ પર્ફોર્મન્સનું પણ આયોજન કરાયું હતું.
યુએન સ્થિત ભારતના કાયમી રાજદૂત સૈયદ અકબરુદ્દીને કહ્યું હતું કે, ભારતની ભૂમિ સમયાંતરે વધુને વધુ સમૃદ્ધ થતી રહી છે. આ સુખદ પ્રસંગે વિશ્વભરના રાજદૂતોએ હાજરી આપી એ બદલ અમને ગર્વ છે.
યુએન જનરલ એસેમ્બ્લીના પ્રમુખની હાજરીથી અમે કૃતજ્ઞતા અનુભવીએ છીએ. યુએસ સ્થિત ભારતીય રાજદૂત નવતેજ સિંઘ સરનાએ દૂતાવાસના સ્ટાફની હાજરીમાં તિરંગો ફરકાવીને મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ કરી હતી, જ્યારે સૈયદ અકબરુદ્દીને ન્યૂયોર્કમાં તિરંગો ફરકાવીને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગને ધ્યાનમાં
રાખીને બોસ્ટોનના સંજીવ ત્રિપાઠીએ હિન્દીમાં એક ખાસ કવિતા લખી હતી, જેનું જાહેરમાં પઠન કરાયું હતું.

