લંડનઃ કર્મચારીઓ શ્રેષ્ઠ કામ કરી શકે તે માટે કંપનીઓ નેપ ટાઈમ અર્થાત્ ઝોંકુ ખાવાની સુવિધા આપે છે. અમુક કંપનીએ ઓફિસમાં આ માટે સ્લીપ પોડ પણ બનાવ્યાં છે. ઊંઘ પુરી ન થતાં સ્વાસ્થ્યની સાથે અર્થતંત્રને પણ નુકસાન થઈ રહ્યું છે. ઊંઘ પુરી ન થવાથી કાર્યક્ષમતામાં થઈ રહેલું વાર્ષિક નુકસાન જીડીપીના ૨ ટકા જેટલું હોવાનો અંદાજ છે.
બ્રિટનના નેશનલ ફાઉન્ડેશનના સર્વે મુજબ સરેરાશ વયસ્ક વ્યક્તિ ૬.૪૯ કલાકની ઊંઘ લે છે. જ્યારે અમેરિકામાં ૬.૩૧ કલાક અને જાપાનમાં ૬.૨૨ કલાક ઊંઘ લે છે. જ્યારે સ્વાસ્થ્ય માટે ૭થી ૯ કલાકની ઊંઘ હિતાવહ છે. આમ અપૂરતી ઊંઘના કારણે માત્ર બ્રિટનમાં જ આશરે ૪૦ બિલિયન પાઉન્ડનું નુકસાન થતું હોવાનું તારણ છે.
ન્યુરોસાયન્ટિસ્ટ અને પુસ્તક 'વ્હાય વી સ્લીપ: ન્યૂ સાયન્સ ઓફ સ્લીપ એન્ડ ડ્રીમ્સ'ના લેખક મેથ્યુ વોકરના મતે ૧૯૪૨માં વયસ્કની ઊંઘનો સમય સરેરાશ આઠ કલાક હતો. આમ ઊંઘનો સમય ઘટ્યો છે. આખી દુનિયા આ સમસ્યાથી પીડાય છે તેનું કારણ કામનો લાંબો સમય છે. વોકર કહે છે કે, તેની અસર ઉત્પાદન પર પડતી હોવાથી કંપનીઓ ઊંઘ - આરામ બાબતે વલણ બદલી રહી છે. ગુગલે સ્ટાફ માટે સ્લીપ પોડ લગાવ્યા છે. તો નાઈકીની ઓફિસમાં ઊંઘ - મેડીટેશન માટે ખાસ રૂમ છે.

