જોહાનિસબર્ગઃ શનિવારે યોજાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી૨૦માં ભારે રોમાંચ બાદ ભારતીય ટીમે સાત રને વિજય મેળવીને ત્રણ મેચની સિરીઝ ૨-૧થી કબ્જે કરી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતાં સાત વિકેટ ગુમાવીને ૧૭૨ રન બનાવ્યા હતા, જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ ૨૦ ઓવરના અંતે છ વિકેટ ગુમાવી ૧૬૫ રન બનાવી શકી હતી.
૪૩ રન બનાવનાર રૈનાને મેન ઓફ ધ મેચ અને ભુવનેશ્વર કુમારને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરાયો હતો. ભારતીય ટીમે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ૧-૨થી ટેસ્ટ સિરીઝ ગુમાવી હતી, પરંતુ વન-ડેમાં જોરદાર પ્રદર્શન કરતાં છ મેચની સિરીઝ ૫-૧થી જીતી હતી.
કોહલીની સિદ્ધિ
વિરાટ કોહલીએ આફ્રિકા પ્રવાસમાં ટેસ્ટ, વન-ડે અને ટી-૨૦ સિરીઝની કુલ ૧૧ મેચની ૧૪ ઈનિંગમાં બનાવ્યા હતા. આમ તે એક પ્રવાસમાં સૌથી વધુ રન બનાવનાર કેપ્ટન બની ગયો છે. આ પહેલાં સાઉથ આફ્રિકાના ગ્રીમ સ્મિથે ૨૦૦૩માં ઈંગ્લેન્ડના પ્રવાસ વખતે ૧૭ ઈનિંગમાં આ સિદ્ધિ મેળવતાં ૮૦૩ રન બનાવ્યા હતા.

