મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૧મી સિઝન માટે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન તરીકે અશ્વિનની પસંદગી કરાઇ છે. કિંગ્સ ઇલેવન પંજાબે અશ્વિનને રૂ. ૭.૬ કરોડમાં ખરીદ્યો છે. અશ્વિને આ અગાઉ ક્યારેય આઇપીએલમાં સુકાન સંભાળ્યું નથી. કિંગ્સ ઇલેવન પંજાબના ટીમ ડિરેક્ટર-મેન્ટર વીરેન્દ્ર સેહવાગે જણાવ્યું હતું કે, ‘અશ્વિન ખૂબ જ સ્માર્ટ ક્રિકેટર છે અને તે ટ્વેન્ટી૨૦ ફોર્મેટને સારી રીતે સમજે છે. અમે આ વર્ષે કંઇક અલગ કરવા માગીએ છીએ અને અશ્વિન કેપ્ટન તરીકે યોગ્ય પસંદગી છે.’
૩૧ વર્ષીય અશ્વિન ૨૦૦૯થી ૨૦૧૫માં ચેન્નાઇ સુપરકિંગ્સ માટે રમ્યો હતો. કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આઇપીએલમાં ક્યારેય ચેમ્પિયન બની નથી. આ વખતે પંજાબની ટીમમાં લોકેશ રાહુલ, એરોન ફિન્ચ, ડેવિડ મિલર, મયંક અગ્રવાલ, ક્રિસ ગેઇલ, યુવરાજ સિંહ જેવા સ્ટાર પ્લેયર્સ છે. અશ્વિન કિંગ્સ ઇલેવન પંજાબનો ૧૦મો કેપ્ટન બનશે. જોકે, ૧૦માંથી માત્ર યુવરાજ સિંહ, મુરલી વિજય જ એવા ભારતીય પ્લેયર્સ હતા જેમને કિંગ્સ ઇલેવન પંજાબની આગેવાની સોંપાઇ હતી.

