લંડનઃ ચાની કાચની કીટલી તૂટી જાય એટલે લોકો તેને ડસ્ટબીનમાં નાખી દેતા હોય છે. પરંતુ, એક વ્યક્તિએ તેને સંઘરી રાખી હતી. તેના આ શોખે તેને ૫૭૫,૦૦૦ પાઉન્ડની માતબર રકમની કમાણી કરાવી છે.
માત્ર ૧૫ પાઉન્ડમાં આ કીટલી લીલામીમાં મૂકવામાં આવી હતી. પરંતુ, અમેરિકામાં શરૂઆતમાં પોર્સેલિનની જે કીટલીઓ બનાવવામાં આવી હતી તેમાંની આ એક હોવાનો ખુલાસો થતાં તેના ૫૭૫,૦૦૦ પાઉન્ડ ઉપજ્યા હતા. ન્યૂયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ વતી લંડનના ડીલર રોડ જેલીકોએ તે ખરીદી હતી. અમેરિકામાં પોતાની પ્રથમ પોર્સેલિન ફેક્ટરી સ્થાપવા માટે ત્યાં ગયેલા બ્રિટિશ કારીગર જહોન બાર્ટલમે આ કીટલી બનાવી હતી. અમેરિકન ક્રાંતિને લીધે તેને ફેક્ટરી બંધ કરીને ઈંગ્લેન્ડ પાછા ફરવું પડ્યું હતું.
તૂટેલી વસ્તુઓનો સંગ્રહ કરતી આ વ્યક્તિએ આ કીટલી ૨૦૧૬માં મીડલેન્ડ્સમાં યોજાયેલી લીલામીમાંથી ખરીદી હતી. તેનું તૂટેલું હેન્ડલ ગુંદરથી ચોંટાડેલું હતું. કીટલીનું ઢાંકણુ પણ ન હતું. તે આ કીટલી સાલીસ્બરીમાં વુલી એન્ડ વોલિસ ઓક્શનર્સના સ્પેશિયાલિસ્ટ ક્લેર ડરહામ પાસે લઈ ગયો. તેને થયું કે ૧૭૮૩માં સાઉથ કેરોલિનામાં ફેક્ટરી સ્થાપનારા બાર્ટલમે આ કીટલી બનાવી હોવા અંગે તેને શંકા હતી.
સંગ્રાહકને આ કીટલીના ૫૦,૦૦૦ પાઉન્ડ આવશે તેમ કહેવાયું હતું. જોકે, લીલામીમાં તેની બોલી ૪૬૦,૦૦૦ પાઉન્ડ સુધી પહોંચી હતી અને ફી સાથે તેની કુલ ખરીદ કિંમત ૫૭૫,૦૦૦ પર પહોંચી હતી. સંગ્રાહક લીલામીમાં હાજર રહ્યો ન હતો. પરંતુ, તેની પુત્રીએ આ લીલામી ઓનલાઈન નિહાળી હતી.
