લંડનઃપશ્ચિમ લંડનના હેઈસના રોડ પર શરાબના નશામાં પૂરઝડપે કાર હંકારીને ફૂટપાથ પર ચાલતા ત્રણ ટીનેજરો પર કાર ચડાવી દઈને તેમનું મોત નીપજાવ્યું હોવાનું ૨૮ વર્ષીય જયનેશ ચુડાસમાએ ઓલ્ડ બેલી કોર્ટમાં સ્વીકાર્યું હતું.
હેઈસમાં નિર્ધારિત ઝડપ કરતા વધુ ઝડપે તેણે બીજી કારને ઓવરટેક કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેના શરીરમાં શરાબનું પ્રમાણ નિયત મર્યાદા કરતા અઢી ગણું હતું અને ગાંજાના અંશ મળી આવ્યા હતા.એપ્રેન્ટિસ ઈલેક્ટ્રિશીયન જ્યોર્જ વિલ્કીન્સન (૧૬), જોશ મેક ગિનેસ(૧૬) અને હેરી રાઈસ (૧૭) તેમના મિત્રોના ગ્રૂપસાથે મિત્રની બર્થ ડે પાર્ટી માટે જઈ રહ્યા હતા ત્યારે ઓડી કારે તેમને ટક્કર મારી હતી. ચુડાસમા અને તેની સાથે રહેલા પેસેન્જરે ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, મૃતકોના મિત્રોએ તેમને પીછો કરીને ઝડપી લીધા હતા . અને પોલીસને સોંપવામાં આવ્યા હતા. આ કેસમાં તેમને સજા સંભળાવવાની બાકી છે.
