મુંબઈઃ આગામી છઠ્ઠી માર્ચથી શ્રીલંકામાં શરૂ થઈ રહેલી ટ્રાયેન્ગ્યુલર ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમ જાહેર થઇ ગઇ છે. જેમાં કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના સૌથી સિનિયર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની સહિત છ ખેલાડીઓને આરામ અપાયો છે. શ્રીલંકામાં યોજાનાર સિરીઝમાં ભારત, શ્રીલંકા અને બાંગ્લાદેશ ભાગ લઈ રહ્યાં છે.
કોહલી અને ધોની ઉપરાંત હાર્દિક પંડયા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ અને કુલદીપને પણ આરામ અપાયો છે. તેમના સ્થાને વોશિંગ્ટન સુંદર, વિજય શંકર, મોહંમદ સિરાઝ, દીપક હુડ્ડા અને ઋષભ પંતને સામેલ કરાયા છે. કોહલીને આરામ અપાતાં રોહિત શર્માને કેપ્ટન બનાવાયો છે. રોહિત શર્માને ગત વર્ષે ભારતમાં યોજાયેલી શ્રીલંકા સામેની ટી૨૦ સિરીઝમાં અને સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટી૨૦માં ભારતીય ટીમની કેપ્ટનશિપ મળી હતી. જેમાં રોહિત શર્મા ભારતને વિજય અપાવવામાં સફળ રહ્યો હતો.
રોહિત શર્મા પાસે ધવન, મનીષ પાંડે, સુરેશ રૈના અને દિનેશ કાર્તિક જેવા સિનિયર ખેલાડીઓ પણ છે. બોલિંગ આક્રમણમાં જયદેવ ઉનડકટ અને શાર્દુલ ઠાકુરની સાથે મોહંમદ સિરાજને સામેલ કર્યો છે. જ્યારે સ્પિન વિભાગમાં યૂજવેન્દ્ર ચહલ અને અક્ષર પટેલ ઉપરાંત વોશિંગ્ટન સુંદરને સ્થાન અપાયું છે. આમ, ફરી એક વખત રવીન્દ્ર જાડેજા અને અશ્વિનને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બોલર તરીકે ગણાવી આ સિરીઝમાં પણ તક અપાઈ નથી.

