લંડનઃ લાયસન્સ ન હોવા છતાં લોકોને ગેરકાયદેસર રીતે નાણાં ધીરવાનો ધંધો કરનારા ૬૪ વર્ષીય ધરમ પ્રકાશ ગોપીને સાઉથવાર્ક ક્રાઉન કોર્ટે સાડા ત્રણ વર્ષની જેલ ફરમાવી હતી. યુકેના કન્ઝ્યુમર ક્રેડિટ એક્ટ, ૧૯૭૪ હેઠળ તેમની સામે કેસ કરાયો હતો. તેની સામે સીરીયસ ક્રાઈમ પ્રિવેન્શન ઓર્ડર પણ જારી કરાયો હતો. આથી ભવિષ્યમાં તેમના માટે મની લેન્ડિંગનો ધંધો કરવાનું મુશ્કેલ બની જશે.
તેમને યુકેની ઓફિસ ઓફ ફેર ટ્રેડિંગ (ઓએફટી) એ લાયસન્સ આપ્યું નહોતું અને એફસીએનું ઓથોરાઇઝેશન પણ મળ્યું ન હતું. તે છતાં તેમણે ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન ગેરકાયદે નાણાં ધીરવાનું કામકાજ ચાલુ રાખ્યું હતું. જે લોકોની સ્થિતિ તેની ગેરકાયદે પ્રવૃત્તિઓનો સામનો કરવાની ન હોય એવા લોકોને તે નાણાં ધીરતો હતો.
મે ૨૦૧૬માં ગોપીને કંપની ડિરેક્ટર તરીકે કામ કરવા પર ૧૫ વર્ષ માટે ગેરલાયક ઠેરવાયા હતા. તેના વહીવટના કારણે જાહેર હિતમાં અનેક કંપનીઓ સમેટી લેવાની પણ સરકારને ફરજ પડી હતી. એપ્રિલ ૨૦૧૬માં તેની સામે હાથ ધરાયેલી કોર્ટની અવગણનાની કાર્યવાહીમાં તેને ૧૮ મહિનાની કેદની સજા થઈ હતી. કોર્ટના આદેશોનું પાલન કરવાની ખાતરી આપ્યા છતાં તેણે કાયદાનો અને કોર્ટના આદેશોનો ભંગ કર્યો હતો. તેને સપ્ટેમ્બર ૨૦૧૬માં છોડી મૂકાયો હતો. તે પછી પણ તેણે પોતાનો ગેરકાયદે ધિરાણનો ધંધો ચાલુ રાખ્યો હતો.
