લંડનઃ લાખો પેરન્ટ્સ તેમના બાળકોને નજીવી બીમારી હોય તો GPપાસે લઈ જવાને બદલે લોકલ ફાર્માસિસ્ટ પાસે લઈ જાય તો તેમને વધુ સુવિધાજનક અને સમયસરની નિષ્ણાતની સલાહ મળી શકે. NHSમાટે કરાયેલા અભ્યાસ મુજબ પાંચ વર્ષથી ઓછી વયનું બાળક ધરાવતા માત્ર ૬ ટકા મમ્મી અને પપ્પા તેની નજીવી બીમારી માટે પહેલા હાઈ સ્ટ્રીટ ફાર્માસિસ્ટની મદદ લેવા વિચારતા હોય છે. ૩૫ ટકા જેટલા પેરન્ટ્સ GPની એપોઈન્ટમેન્ટ લેવાનું પસંદ કરે છે. જ્યારે પાંચ ટકા પહેલા ઈમરજન્સી કેર પસંદ કરે છે.
પુખ્ત વયના ૭૯ ટકા લોકો જાણે છે કે ફાર્માસિસ્ટ્સ ક્વોલિફાઈડ હેલ્થકેર પ્રોફેશનલ હોય છે અને સર્વ સામાન્ય બીમારીમાં સલાહ આપી શકે તેવા તેમ જ વધુ ગંભીર સ્થિતિમાં ક્યારે અને ક્યાથી સલાહ લેવી તે જણાવી શકે તેમ હોવા છતાં આવું બને છે. બીમાર દર્દીઓ માટે GPસમય ફાળવી શકે તે માટે અને NHSને દર વર્ષે ૮૫૦ મિલિયન પાઉન્ડની બચત થાય તથા વ્યસ્ત પરિવારોનો સમય બચે તે માટે NHSનો વધુ પેરન્ટ્સને તેમની ફાર્મસીનો ઉપયોગ કરવા અનુરોધ છે.
લગભગ ૯૫ ટકા લોકો તેમની લોકલ કોમ્યુનિટી ફાર્મસીથી ૨૦ મિનિટના વોકિંગ અંતરમાં રહે છે તેથી ફાર્માસિસ્ટ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે અને કફ, શરદી, પેટની તકલીફો અથવા દૂધિયા દાંત જેવી આરોગ્યને લગતી નજીવી તકલીફો વિશે અમૂલ્ય સલાહ મળી શકે છે.લગભગ ૧૮ મિલિયન GPએપોઈન્ટમેન્ટ્સ અને A&Eની ૨.૧ મિલિયન વિઝિટ કફ અને પેટની તકલીફો જેવી જાતે સારવાર થઈ શકે તેવી બીમારી માટે હોય છે. જેનો NHSને દર વર્ષે ૮૫૦ મિલિયન પાઉન્ડથી વધુનો ખર્ચ થાય છે.
કોમ્યુનિટી ફાર્મસી દ્વારા અસ્થમા ઓડિટ્સ અને ફ્લૂ વેક્સિનેશન સહિત દર્દીઓને અપાતી સેવામાં વધારો કરવા માટે અને ફાર્મસીની ટીમ દ્વારા ક્લિનિકલ નિષ્ણાત માહિતીને વધારવા માટે NHSરાષ્ટ્રીય સ્તરે તેમની સાથે કામ કરી રહી છે. ડેપ્યુટી ચીફ ફાર્માસ્યુટિકલ ઓફિસર ફોર ઈંગ્લેન્ડ ડો. બ્રુસ વોર્નરે જણાવ્યું હતું કે ફાર્માસિસ્ટ્સ ઉચ્ચ કક્ષાની તાલીમ પામેલા NHSહેલ્થ પ્રોફેશનલ્સ છે અને તેઓ સંખ્યાબંધ નજીવી બીમારી માટે તરત જ ક્લિનિકલ સલાહ અને અસરકારક સારવાર આપી શકે છે.
