લંડનઃબુધવારને ૨૧મી ફેબ્રુઆરીએ પાર્લામેન્ટ બહાર એક અંગ્રેજે ભારતીય શીખ પર વંશીય હુમલો કર્યો હતો. મૂળ પંજાબના ૩૭ વર્ષીય રવનીત સિંહ લેબર પાર્ટીના સાંસદ તનમનજીત સિંહ ઢેસીને મળવા માટે પાર્લામેન્ટ પહોંચ્યા હતા. તે અંદર જવા માટે લાઇનમાં ઉભા રહીને રાહ જોતા હતા. તે વખતે જ એક અંગ્રેજ નાગરિક દોડતા દોડતા આવ્યો અને ' મુસ્લિમ ગો બેક' કહીને તેમની પાઘડી ઉતારવા લાગ્યો હતો.
પોલીસને ઘટનાની જાણ થતા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. સાંસદ ઢેસીએ હુમલાની નિંદા કરતા જણાવ્યું હતું કે ઘટના વિશે સાંભળીને ખૂબ દુઃખ થયું. મને વિશ્વાસ છે કે યુકે પોલીસ આરોપી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરશે. પોલીસ આરોપીની શોધ કરી રહી છે.
તેઓ સાંસદ તનમનજીત સિંહ ઢેસીને મળવા માટે પાર્લામેન્ટની અંદર જઇ રહ્યા હતા. દરમિયાન પોર્ટક્યૂલિસ બિલ્ડિંગની બહાર તેમની ઉપર એક અંગ્રેજે હુમલો કરી દીધો. અહીં સાંસદોના સ્ટાફ અને મહેમાનો માટે પ્રતિક્ષાલયની વ્યવસ્થા છે. પોલીસને બુધવારે સાંજે અંદાજિત ૫ વાગ્યે આ ઘટનાની સુચના મળી હતી. રવનીત સિંહે કહ્યું કે તે લાઇનમાં ઉભા રહીને તેમનો નંબર આવે તેની રાહ જોતા હતા. આ દરમિયાન એક અંગ્રેજ મારી તરફ દોડતો આવ્યો. તેણે ચીસો પાડીને કહ્યું, 'મુસ્લિમ ગો બેક' અને જોર-જોરથી તેમની પાઘડી ખેંચવા લાગ્યો. તેમણે પાઘડી સંભાળીને તેની સામે ગુસ્સે થયા. પછી તે હુમલાખોર કોઇ અન્ય ભાષામાં ઘર્મથી જોડાયેલી કોમેન્ટ કરતો ભાગી ગયો. તેઓ તેની આખી વાત તો ના સમજી શક્યા, પરંતુ મુસ્લિમ શબ્દ ચોક્કસથી સમજી ગયા.
