પેન્શન સ્કીમમાં સુધારાના વિરોધમાં પ્રાધ્યાપકોની હડતાળ

Wednesday 28th February 2018 07:30 EST
 

લંડનઃ બ્રિટનની ઓક્સફર્ડ અને કેમ્બ્રીજ જેવી ટોચની યુનિવર્સિટી સહિત ૬૪થી વધુ યુનિવર્સિટીના ૫૮ હજારથી વધુ પ્રાધ્યાપકો,વૈજ્ઞાનિકો, અને સંશોધકો પેન્શન સ્કીમમાં સુધારાથી નારાજ થઈને એકસાથે હડતાળ પર ઉતરી ગયા હતા. વિદ્યાર્થીઓએ આ હડતાળને લીધે અભ્યાસમાં થઈ રહેલા નુક્સાન સામે ફી પાછી આપવા માગણી કરી છે. એજ્યુકેશન મિનિસ્ટર સામ ગીમાહે પણ આ માગણીને સમર્થન આપતા પ્રાધ્યાપકોના અટકાવાયેલા પગારમાંથી આ રકમ ચૂકવી આપવા જણાવ્યું હતું.

રિટાયરમેન્ટ બાદ પેન્શનની ચોક્કસ રકમની બાયધરી આપતી યુનિવર્સિટીઝ સુપર એન્યુએશન સ્કીમ બંધ કરવાની યુકેની સૂચિત દરખાસ્તના વિરોધમાં યુનિવર્સિટીઝ એન્ડ કોલેજ યુનિયન (UCU)એ હડતાળનું એલાન આપ્યું હતું. ગીમાહે બન્ને પક્ષોને કોઈ પણ શરત વિના સમસ્યાનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો. ગયા અઠવાડિયે બે દિવસ અને આ અઠવાડિયાની શરૂઆતના ત્રણ દિવસમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ, માર્કિંગ અથવા એસેસમેન્ટ અટકી ગયા હતા.

૧૪ દિવસની આ હડતાળની એક મિલિયનથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ રહી છે અને ૫૭૫,૦૦૦ શૈક્ષણિક કલાકનું નુક્સાન થશે. વિદ્યાર્થીઓએ કરેલી સિગ્નેચર પિટિશનમાં જણાવાયું હતું કે હડતાળને લીધે વિદ્યાર્થી દીઠ લગભગ રુપિયા એક લાખથી વધુનું નુક્સાન થઇ રહ્યું છે. યુનિવર્સિટીઓએ અભ્યાસ કરાવ્યો ન હોવાથી ફી પાછી આપવી જોઈએ. આ પિટિશન પર ૭૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓએ સહી કરી હતી હડતાળને લીધે ઘણી યુનિવર્સિટીઓમાં પરીક્ષા પાછળ ઠેલાય તેવી શક્યતા છે.

પ્રાધ્યાપકોએ ૨૨ અને ૨૩ ફેબ્રુઆરીએ બે કલાકનો અને વોકઆઉટ કર્યો હતો. આ અઠવાડિયે ત્રણ દિવસ માટે તેઓ કામથી અળગા રહેશે. તેઓ આવતા અઠવાડિયે ચાર અને પછી પાંચ દિવસનો વોકઆઉટ કરશે.


comments powered by Disqus