લંડનઃ ટાટા સ્ટીલે પોર્ટ તાલબોટ સ્ટીલવર્ક્સનું ભવિષ્ય સલામત રાખવામાં મદદરૂપ થાય તેવા ૬૦ મિલિયન પાઉન્ડના પ્રોજેક્ટ માટે ટેક્સપેયરોની સહાય માગી છે. ટાટા સ્ટીલ કારના નિર્માણમાં ઉપયોગી હળવા સ્ટીલનું ઉત્પાદન કરવા માગે છે. સાઉથવેલ્સમાં આવેલા આ પ્લાન્ટનું ભાવિ ધૂંધળું બની ગયું હતું તેમાંથી તેને બહાર લાવીને તેનું આધુનિકરણ કરવાની ટાટા સ્ટીલની આ વિનંતી ખૂબ મહત્ત્વની છે.
ટાટાએ હળવું, પાતળું અને મજબૂત ગેલ્વેનાઈઝ્ડ સ્ટીલ બનાવવા માટે તેની કન્ટિન્યુઅસ એનીલિંગ પ્રોસેસ લાઈન (CAPL)ના આધુનિકરણ માટે આર્થિક મદદ માટે સરકારને અનૌપચારિક રીતે વિનંતી કરી દીધી હોવાનું મનાય છે.
ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે એજીંગ બ્લાસ્ટ ફર્નેસના રિલાઈનીંગ માટે ટાટા પ્રતિબદ્ધ છે અને CAPLનું આધુનિકરણ તેમાં જ આવી જાય છે. કોઈપણ જાતના વધારાના મૂડીરોકાણ વિના આયર્ન ઓરમાંથી મોલ્ટન આયર્ન બનાવતી બે વિશાળ ભઠ્ઠીમાંથી એક ભઠ્ઠીની કાર્યક્ષમતા આવતા વર્ષના અંત સુધીમાં પૂરી થશે. ટાટા ગ્રૂપ આ ભઠ્ઠીનું આયુષ્ય ૨૦૨૬ સુધી વધારવાની યોજના પર કામ કરી રહ્યું છે. જોકે, આ યોજનામાં સંપૂર્ણ રીલાઈનીંગ થાય તેમ નથી. આ યોજના પાછળનો ખર્ચ ૧૫૦ મિલિયન પાઉન્ડ છે. પોર્ટ પ્લાન્ટના અસ્તીત્વ માટે તાલબોટની બે ભઠ્ઠીઓની જાળવણીને યુનિયનો અને સરકાર બન્ને મહત્ત્વની માને છે. આ કંપનીમાં ૪,૦૦૦ કર્મચારી છે. ગયા સપ્ટેમ્બરમાં બિઝનેસ સેક્રેટરી ગ્રેગ ક્લાર્કે ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરનને પત્ર લખીને રીલાઈનીંગ માટે ‘ચોક્કસ પ્રતિબદ્ધતા’ માટે જણાવ્યું હતું
